News of Tuesday, 9th September 2025
લાંચ લેતા કોર્ટ સુપ્રિટેન્ડેન્ટ ઉસ્માનગની મીર એસીબીના સકંજામાં : મકાનનો કબજો લેવાની કાર્યવાહીની જાણ કરવા રૂ. ૧૫,૦૦૦ની લાંચ લીધી
આણંદમાં એસીબીનું સફળ ઓપરેશન : અગાઉ રૂ. ૧૦,૦૦૦ લઈ લીધા બાદ બાકીના રૂ. ૧૫,૦૦૦ માંગતા છટકું ગોઠવાયું : અમુલ ડેરી સામેથી રંગેહાથ ઝડપાયા

આણંદ: આણંદ જિલ્લામાં ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા કરવામાં આવેલા એક સફળ ઓપરેશનમાં, જિલ્લા ન્યાયાલયના એક સુપ્રિટેન્ડેન્ટને લાંચ લેતા રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા છે. મકાનનો કબજો લેવાની કોર્ટની કાર્યવાહીની જાણ કરવાના બદલામાં આરોપીએ લાંચ માંગી હતી.
આ કેસની વિગત મુજબ, ફરિયાદી વિરુદ્ધ એક બેંક દ્વારા સરફેસી એક્ટ હેઠળ તેમના મકાનનો કબજો લેવા માટે સિવિલ કોર્ટ, આણંદમાં કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કાર્યવાહીના ભાગરૂપે કોર્ટે ૨૩ એપ્રિલ, ૨૦૨૫ના રોજ ફરિયાદીના મકાનનો કબજો બેંકને સોંપવાનો આદેશ કર્યો હતો. આ આદેશની અમલવારી કરવા માટે ૩૧ ઓગસ્ટ, ૨૦૨૫ના રોજ કોર્ટ કમિશનર સાથે આરોપી ઉસ્માનગની ઇસ્માઇલગની મીર, જે ચોથા એડિશનલ સીનિયર સિવિલ જજની કોર્ટમાં સુપ્રિટેન્ડેન્ટ (વર્ગ-૩) તરીકે ફરજ બજાવે છે, તેઓ ફરિયાદીના ઘરે ગયા હતા. જોકે, તે સમયે મકાનનો કબજો લેવામાં આવ્યો ન હતો.
ત્યારબાદ, આરોપી ઉસ્માનગની મીર દ્વારા ફરિયાદીનો રૂબરૂ તેમજ ટેલિફોનિક સંપર્ક કરી, તેમના મકાનનો કબજો લેવા કોર્ટના માણસો ક્યારે આવશે તેની જાણ કરવા અને આગામી કબજાની નોટિસ નીકળશે તેની માહિતી આપવા માટે 'વ્યવહાર પેટે' રૂ. ૨૫,૦૦૦ની લાંચની માંગણી કરવામાં આવી હતી. આ રકમમાંથી આરોપીએ અગાઉ રૂ. ૧૦,૦૦૦ લઈ લીધા હતા અને બાકીના રૂ. ૧૫,૦૦૦ની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કરીને ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે, ૦૮ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ આણંદમાં લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. છટકા દરમિયાન, આણંદમાં અમુલ ડેરી સામે જાહેર રોડ પર આરોપીએ ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી અને રૂ. ૧૫,૦૦૦ની લાંચની રકમ સ્વીકારતા જ તેઓ રંગેહાથ ઝડપાઇ ગયા હતા.
આ સમગ્ર સફળ ઓપરેશન પોલીસ ઇન્સ્પેક્ટર કુ. એમ.એલ. રાજપુત અને તેમની ટીમ દ્વારા પાર પાડવામાં આવ્યું હતું, જેનું સુપરવિઝન મદદનીશ નિયામક, એસીબી અમદાવાદ એકમના કે.બી. ચુડાસમા દ્વારા કરવામાં આવ્યું હતું.
(9:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
