News of Tuesday, 9th September 2025
રાજપીપળા દરબાર રોડ સ્થિત પ્રાયોગિક પ્રાથમિક શાળા બહાર રાત્રિ સમયે ગાયોના ઝૂંડનો ખડકલો
આખા શહેરમાં રખડતી ગાયો, આંખલાનો ભયંકર ત્રાસ: તંત્ર પણ પાંગળું સાબિત થયું

(ભરત શાહ દ્વારા ) નર્મદા :રાજપીપળા શહેરમાં.આખો દિવસ રખડતા જાનવરોનો ત્રાસ હવે વધી રહ્યો છે કેમ કે દિવસ બાદ હવે રાત્રે પણ આ ત્રાસ જોવા મળ્યો છે
મળતી વિગતો અનુસાર રાજપીપળા દરબાર રોડ પર અનેક ઠેકાણે રસ્તાની વચ્ચે જ બેસતી ગાયોના કારણે ત્યાંથી ટુ વ્હીલ પણ પસાર કરવું ભારે પડી રહ્યું છે, આમ તો આખો દિવસ આ ગાયો શહેરમાં રખડતી જોવા મળે છે જેમાં મુખ્ય માર્ગ કે નાની નાની ગલીઓમાં પણ ખડકલો જમાવી બેસતી આ ગાયોથી લોકો કંટાળી ગયા છે. જેમાં ક્યારેક બે આખલા બાથ ભીડે ત્યારે આમતેમ નાસભાગ કરતા ગલીઓમાં ઘર બહાર પાર્ક કરેલા વાહનોને પણ નુકશાન થાય છે, સાથે સાથે નાના બાળકો કે વૃદ્ધો માટે પણ આ લડતા આખલા જોખમરૂપ છે.જોકે રાજપીપળા નગરપાલિકા ભૂતકાળ માં ઢોર પાર્ટી બોલાવી રખડતા જાનવરો ને પકડી ઢોર ડબ્બે પુરતી હતી પરંતુ હાલમાં ઘણા સમયથી આ કામગીરી થઈ નથી અને બીજી બાજુ જાનવરોના માલિકો પણ બિન્દાસ તેમના પશુઓને સવારથી જ છોડી મૂકતા હોવાથી શહેરમાં આ સમસ્યાનો કોઈ અંત આવે તેમ જણાતું નથી. હાલમાં દરબાર રોડ પર આવેલી પ્રાયોગિક પ્રાથમિક શાળા સહિત આસપાસમાં રાત્રિ દરમિયાન અડ્ડો જમાવી બેસતી ગાયો આખી રાત દરમિયા મળ, મૂત્રથી ગંદકી કરતી હોય છે જે શાળામાં અભ્યાસ કરતા બાળકોના સ્વાસ્થ્ય માટે પણ જોખમી કહી શકાય. તો પાલિકા તંત્ર શહેરમાં આ ન્યૂસન્સ દૂર કરે તેવી લોકલાગણી છે
(10:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
