News of Wednesday, 10th September 2025
વાપી પેપર મિલ પર IT દરોડામાં ૧૦૦૦ કરોડના બેનામી વ્યવહારો મળ્યા
ગજાનંદ, અજીત પલ્પ અને એન.આર. અગ્રવાલ પેપર મિલ પર કાર્યવાહી

મુંબઈ,તા.૧૦: વાપીની ત્રણ પેપર મીલ પર આઈટી દ્વારા પાડવામાં આવેલા દરોડામાં એક હજાર કરોડના બેનામી વ્યવહાર મળી આવ્યા હોવાની વિગતો જાણવા મળી છે. વાપી, મુંબઈ અને પુણેની આઈટી ટીમ દ્વારા ગજાનંદ પેપર મીલ, શ્રી અજીત પલ્પ એન્ડ પેપર મીલ અને એન.આર. અગ્રવાલ પેપર મીલ પર દરોડા પાડીને તપાસ શરુ કરવામાં આવી હતી. તપાસમાં મોટાભાગની ખરીદી કાગળ પર દર્શાવવામાં આવી જ નહીં હોવાનુ પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતુ.
આઈટી ટીમ દ્વારા ત્રણ પેપર મીલના ૨૫ સ્થળો પર તપાસ કરવામાં આવી હતી. તપાસમાં પેપર સહિતના સામાનની ખરીદી ચોપડા પર દર્શાવ્યા વિના બારોબાર જ બતાવી દેવામાં આવી હતી. સાથે સાથે જે વસ્તુની ખરીદી કાગળ પર બતાવી નહોતી તે વસ્તુ બારોબાર જ વેચી દેવામાં આવી હતી. જેથી ટેક્સ ભરપાઈ કરવો નહીં પડે તે રીતની સમગ્ર ગોઠવણ કરવામાં આવી હોવાનુ બહાર આવ્યું હતુ. તેના કારણે આઇટી ટીમ દ્વારા ત્રણેય પેપર મીલના દસ્તાવેજ કબ્જે કરીને તપાસ શરુ કરી હતી. પ્રાથમિક તપાસમાં જ બેનામી વ્યવહારનો આંકડો એક હજાર કરોડની આસપાસ પહોંચી ગયો હતો. જ્યારે આગામી દિવસોમાં આઈટી દ્વારા જપ્ત કરવામાં આવેલા દસ્તાવેજની ઉલટ તપાસ કરીને વધુ ટેક્સ ચોરી ઝડપી પાડવામાં આવે તેવી પણ શકયતા સેવાઈ રહી છે.
એસેસમેન્ટમાં પણ મોટી ચોરી મળવાની શકયતા
આઇટીએ પાડેલા દરોડાની પ્રાથમિક તપાસમાં જ એક હજાર કરોડથી વધુના બેનામી વ્યવહાર મળી આવ્યા હોવાના કારણે આ ત્રણેય મીલના છેલ્લા ૧૦ વર્ષ દરમિયાન ભરવામાં આવેલા આઇટી રીટર્નની પણ ચકાસણી કરવામાં આવશે. કારણ કે તેઓ દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી આ રીતે ટેક્સ ચોરી કરવા માટે વેપલો કરી રહ્યા હોવાની પણ શકયતા રહેલી છે. તેના કારણે આગામી દિવસોમાં રીટર્ન અને જપ્ત કરાયેલા દસ્તાવેજની ચકાસણીમાં ટેક્સ ચોરીનો આંકડો વધુ મોટો બહાર આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી
(4:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
