News of Wednesday, 10th September 2025
હવેથી જન્મ-મરણની નોંધણી ભારત સરકારના 'CRS' પોર્ટલ પર શરૂ
અગાઉ ઈ-ઓળખ પોર્ટલ પર થતી'તી, હાલ પ્રમાણપત્રોમાં સુધારા-વધારાની કાર્યવાહી થઈ શકશે નહીં

અમદાવાદ : 1 સપ્ટેમ્બર, 2025થી એટલે કે આજથી આ નોંધણી પ્રક્રિયામાં મોટો ફેરફાર થયો છે. રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી કામગીરી હવે ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઇ છે .
અમદાવાદ સહિત સમગ્ર ગુજરાત રાજ્યમાં હવે જન્મ અને મરણની નોંધણી ભારત સરકારના CRS પોર્ટલ પર શરૂ થઈ ગઈ છે. અગાઉ આ કામગીરી રાજ્ય સરકારના ઈ-ઓળખ પોર્ટલ પર થતી હતી. AMCએ જણાવ્યું છે કે 1 જાન્યુઆરી, 2020 થી 31 ઓગસ્ટ, 2025 સુધીના સમયગાળા દરમિયાન જે જન્મ-મરણની નોંધણી ઈ-ઓળખ પોર્ટલ પર થઈ છે, તેની વિગતોને CRS પોર્ટલ પર ટ્રાન્સફર કરવાનું કામ ચાલી રહ્યું છે. આ કામગીરી ટૂંક સમયમાં પૂરી થઈ જશે.
. જોકે, જે પ્રમાણપત્રો વર્ષ 2019 અથવા તે પહેલાં નોંધાયેલા છે, તેમાં સુધારાની કામગીરી રાબેતા મુજબ ચાલુ રહેશે. આ જાણકારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી છે.
ગુજરાતમાં જન્મ અને મરણના બનાવોની નોંધણી આરોગ્ય વિભાગ દ્વારા સંચાલિત E-olakh એપ્લિકેશન પર કરવામાં આવતી હતી. હવે આ સિસ્ટમને કેન્દ્ર સરકારના CRS પોર્ટલ સાથે એકીકૃત કરવામાં આવી રહી છે. આ પરિવર્તનનો મુખ્ય હેતુ જન્મ અને મરણના ડેટાનું કેન્દ્રીય સ્તરે સંકલન કરવાનો છે, જેથી ડેટા વધુ સચોટ અને સુલભ બને.
આ નવા પોર્ટલથી નાગરિકો માટે પણ પ્રક્રિયા વધુ સરળ બનશે. હવે માત્ર એક જ પોર્ટલ પરથી દેશભરના ડેટાનું સંચાલન શક્ય બનશે, જેનાથી રેકોર્ડ્સની જાળવણી અને પ્રક્રિયામાં પારદર્શિતા આવશે.
આ પરિવર્તનને સરળતાથી અમલમાં મૂકવા માટે રાજ્ય સરકારે યુદ્ધના ધોરણે કામગીરી કરી છે.
લીમ: જિલ્લા અને મહાનગરપાલિકાના જન્મ-મરણ રજિસ્ટ્રારને રાજ્ય કક્ષાએથી CRS પોર્ટલનો ઉપયોગ કરવા માટે ખાસ તાલીમ આપવામાં આવી છે. આ ઉપરાંત, મહાનગરપાલિકા, નગરપાલિકા અને ગ્રામ પંચાયતોની સરકારી અને ખાનગી હોસ્પિટલોના સ્ટાફને પણ આ પોર્ટલનો ઉપયોગ કરવાની તાલીમ પૂરી પાડવામાં આવી છે.
ડિજિટલ મોનિટરિંગ: આ પ્રક્રિયામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી ન આવે તે માટે ભારત સરકારની એક ખાસ ટીમ દ્વારા ડિજિટલ માધ્યમથી સતત દેખરેખ રાખવામાં આવશે અને જો કોઈ પ્રશ્નો ઊભા થશે તો તેનું તાત્કાલિક સમાધાન કરવામાં આવશે.
નાગરિકોને નવી સિસ્ટમ અપનાવવામાં કોઈ અગવડ ન પડે તે માટે, શહેરી વિસ્તારોમાં કાર્યરત તમામ હોસ્પિટલોને CRS પોર્ટલ સાથે જોડવાની કામગીરી ઝડપથી પૂર્ણ થાય તે હેતુથી, સંબંધિત રજિસ્ટ્રાર કચેરીઓ 31 ઓગસ્ટ, 2025 ના રોજ જાહેર રજા હોવા છતાં પણ ખુલ્લી રહેશે. આ પગલાં દર્શાવે છે કે સરકાર આ પરિવર્તનને સફળ બનાવવા માટે કેટલી પ્રતિબદ્ધ છે
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
