<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

સૌરાષ્‍ટ્રના ૩૧૦ યાત્રિકો નેપાળમાં સલામતઃ ભાવનગરનાં ૪૩ યાત્રિકો ભારત આવી ગયા

શિવકથા અને રામધુનમાં ગયેલા શ્રધ્‍ધાળુઓએ કાઠમંડુમા ત્રણ સ્‍થળે આશ્રય લીધોઃ મોરબીના હળવદ, ટંકારા, જબલપુર, રાજપર, શનાળા, હમીરપર, ઓટાળા, જામનગરના ફલ્લા, રાજકોટના દેપાળિયા ઉપરાંત સુરેન્‍દ્રનગર અને જૂનાગઢના યાત્રિકોને ગાંધીનગર સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર મારફત પરત લાવવા વ્‍યવસ્‍થા

(જયેશ ભટ્ટાસણા દ્વારા) ટંકારા, તા.૧૧: નેપાળમાં નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા સર્જાયેલ સ્‍થિતિમાં હાલમાં ભારતથી નેપાળ યાત્રાએ ગયેલા મોરબી, જૂનાગઢ, જામનગર, સુરેન્‍દ્રનગર અને રાજકોટ જિલ્લાના તમામ ૩૧૬ યાત્રિકો સલામત હોવાનું સામે આવ્‍યું છે. રાજકોટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા તમામ નાગરિકો સાથે સંપર્ક કરવામાં આવ્‍યો છે અને ગાંધીનગર સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર મારફત પરત આવતા નાગરિકો માટે વ્‍યવસ્‍થા કરવામાં આવી હોવાનું મામલતદાર ડિઝાસ્‍ટર દ્વારા જાહેર કરવામાં આવ્‍યું છે.

પ્રાપ્ત વિગતો મુજબ નેપાળમાં સત્તાધીશ સરકાર વિરુદ્ધ નાગરિકો વિદ્રોહ ઉપર ઉતરી આવતા તંગ પરિસ્‍થિતિ નિર્માણ થઇ છે. બીજી તરફ નેપાળમાં તંગ પરિસ્‍થિતિ વચ્‍ચે જામનગર, મોરબી, જૂનાગઢ, સુરેન્‍દ્રનગર અને જૂનાગઢ જિલ્લાના ૩૧૬ નાગરિકો નેપાળના કાઠમંડુમાં હોવાનું સામે આવતા રાજકોટ ડિઝાસ્‍ટર મેનેજમેન્‍ટ વિભાગ દ્વારા નેપાળમાં ફસાયેલ નાગરિકોનો સંપર્ક કરી સ્‍ટેટ ઇમરજન્‍સી ઓપરેશન સેન્‍ટર મારફતે તમામ યાત્રિકોને ભારત પરત લાવવા કાર્યવાહી શરૂ કરી છે.

દરમિયાન રાજકોટ, જામનગર, મોરબી અને જૂનાગઢ જિલ્લામાંથી શિવકથા અને રામધૂન માટે ગયેલા કુલ ૩૧૦ લોકો તોફાનો સમયે કાઠમંડુમાં જ હતા. જો કે, હાલમાં તમામ યાત્રિકો સુરક્ષિત હોવાનું અને અલગ અલગ ત્રણ જગ્‍યાએ આશ્રય લઈ રહ્યા હોવાનું રાજકોટના યાત્રિક ધીરુભાઈ ચીકાણીએ જણાવ્‍યું હતું. દરમિયાન યાત્રાપ્રવાસના આયોજક બાબુભાઇ ગોપાણીએ પણ તમામ શ્રદ્ધાળુઓ સુરક્ષિત હોવાનું જણાવી શિવકથા અને રામધુનમાં આવેલ શ્રદ્ધાળુઓને ચિંતા ન કરવા સંદેશ આપ્‍યો હતો. નોંધનીય છે કે, હાલમાં નેપાળમાં મોરબીના  હળવદ, ટંકારા, જબલપુર, રાજપર, શનાળા, હમીરપર, ઓટાળા, જામનગરના ફલ્લા, રાજકોટના દેપાળિયા ઉપરાંત સુરેન્‍દ્રનગર અને જૂનાગઢના યાત્રિકો હોવાનું જાણવા મળે છે.

ભાવનગર

(મેધના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરના નારી ગામના ૪૩ પ્રવાસીઓ નેપાળમાં હિંસા ફાટી નીકળ્‍યા બાદ ફસાઈ ગયા હતા, પરંતુ હવે આ ૪૩ પ્રવાસીઓ નેપાળમાંથી ભારતની બોર્ડરની અંદર આવી ગયા છે અને તમામ પ્રવાસીઓ સુરક્ષિત હોવાનું આ પ્રવાસ લઈને નીકળેલા વિનોદભાઈ લીંબાણીએ જણાવ્‍યું હતું.

ગત તા.૨૯ ઓગસ્‍ટે ભાવનગરના નારી ગામેથી વિનોદભાઈ લીંબાણી નારી ગામ અને આસપાસના વિસ્‍તારના કુલ ૪૩ પ્રવાસીઓને લઈને ગોકુળ, મથુરા, હરિદ્વાર અને નેપાળ સહિતના સ્‍થળોએ પ્રવાસ માટે નીકળ્‍યા હતા.. જેમાં ભારતીય પ્રવાસન સ્‍થળો અને ધાર્મિક સ્‍થળોએ દર્શન કર્યા બાદ નેપાળમાં આ પ્રવાસીઓ બે દિવસથી ફસાઈ ગયા હતા. પરંતુ ગઈકાલે નેપાળના પોખરામાં હોટલમાંથી આ પ્રવાસીઓએ ભાવનગરના ધારાસભ્‍ય જીતુભાઈ વાઘાણી અને કોર્પોરેટર ઉપેન્‍દ્રસિંહ ચુડાસમાનો મોબાઈલથી સંપર્ક કર્યો હતો અને ત્‍યારબાદ ભારત સરકાર રાજ્‍ય સરકાર વગેરે આ પ્રવાસીઓ સાથે સંપર્ક કરીને સતત ફોલોઅપ લીધું હતું અને આજે આ પ્રવાસ લઈને ગયેલા વિનોદભાઈ લીંબાણીએ જણાવ્‍યું હતું કે અમે તમામ ૪૩ પ્રવાસીઓને નેપાળ માંથી નીકળીને ભારતની બોર્ડર પસાર કરી ગયા છીએ અને ભારતમાં આવી ગયા છીએ. તમામ પ્રવાસીઓ સુખરૂપ અને સુરક્ષિત છે હવે આગામી દિવસમાં ભાવનગર આ પ્રવાસીઓ આવી પહોંચશે. 

(1:53 PM IST)