<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 11th September 2025

યુવાનોને ઉશ્કેરી નેપાળની જેમ બળવો કરાવવાનો આપ નો ઈરાદો : કેજરીવાલ, ઈસુદાન અને ઇટાલિયા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરો

સુરત આમ આદમી પાર્ટીએ પોસ્ટ મુકતા ભારે વિવાદ : રોહિત રુપાપરા નામના યુવકે કામરેજ પોલીસ મથકમાં અરજી આપી

નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ વિરુદ્ધ શરુ થયેલા યુવાનોના આંદોલને ભારતના પાડોશી દેશની રાજનીતિને હચમચાવી નાંખી છે. કાઠમંડુથી લઈને અનેક શહેરોમાં હિંસક પ્રદર્શન અને નેતાઓના ઘરોમાં આગચંપીની ઘટનાઓ બની. જેના પગલે પ્રધાનમંત્રી કેપી શર્મા ઓલી સહિત અનેક મંત્રીઓએ સત્તા અને દેશ બન્ને છોડવો પડ્યો છે, ત્યારે આમ આદમી પાર્ટીના સુરત યુનિટ દ્વારા ફેસબુકમાં એક પોસ્ટ મૂકવામાં આવી છે, જેને લઈને રાજકારણ ગરમાયું છે.

જેને લઈને પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા અને સંયોજક અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવાની માંગ ઉઠી છે.

હકીકતમાં સુરતના ખોલવડ વિસ્તારમાં રહેતા રોહિત રુપાપરા નામના યુવકે કામરેજ પોલીસ મથકમાં અરજી આપી છે. જેમાં આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ, પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા વિરુદ્ધ દેશના યુવાનોને હિંસા માટે ભડકાવવાના કૃત્ય બદલ ફરિયાદ દાખલ કરવાની માંગ કરવામાં આવી છે.

પોતાની ફરિયાદમાં રોહિત રુપાપરાએ જણાવ્યા મુજબ, ગત 9 સપ્ટેમ્બરના રોજ તેઓએ આમ આદમી પાર્ટી-સુરતના ફેસબુક પેજ પર એક પોસ્ટ જોઈ હતી. જેમાં લખવામાં આવ્યું હતું કે,

શ્રીલંકા, બાંગ્લાદેશ અને હવે નેપાળમાં સત્તાના વિરોધમાં યુવાનો રોડ પર, ભારતના યુવાનો ક્યારે જાગશે?- આ પોસ્ટની નીચે કૉમેન્ટમાં પણ લખવામાં આવ્યું હતું કે, જાગો..જાગો..તમારા વોટના અધિકારનો ઉપયોગ કરી સારા અને ભણેલા-ગણેલા લોકોને સત્તા પર બેસાડો. અભણ લોકોને સત્તામાં બેસાડીને કોઈ વિકાસ નહીં થાય, પરંતુ કૌભાંડો જ થવાના છે.

રોહિત રૂપાપરાએ આક્ષેપ કરતાં જણાવ્યું કે, આમ આદમી પાર્ટી-સુરત દ્વારા કરવામાં આવેલી આ પોસ્ટનો ઈરાદો દેશમાં પણ નેપાળની જેમ બળવો કરવાનો હોવાનું જણાય છે. કેજરીવાલની પાર્ટી દેશમાં અરાજક્તા ફેલાવવા યુવાનોને ગેરમાર્ગે દોરી રહી છે.

આથી આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ,ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી, ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા, સુરત શહેર પ્રમુખ ધર્મેશ ભંડેરી અને વિપક્ષ નેતા પાયલ સાકરિયા વિરુદ્ધ ગુનો નોંધીને તેમની ધરપકડ કરવી જોઈએ.

આ બાબતે કામરેજના પોલીસ ઈન્સ્પેક્ટર એ.ડી. ચાવડાએ જણાવ્યું કે, રોહિત રુપાપરાએ આપેલી અરજી બાબતે તપાસ કરવામાં આવશે.

 

(8:03 PM IST)