News of Friday, 12th September 2025
અપહરણ અને લાખો રૂપિયાની ખંડણીનો આરોપી પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની રિવોલ્વર છીનવી હુમલો કરવા પ્રયાસ કર્યો હતો

અમદાવાદઃ (કેતન ખત્રી દ્વારા) રામોલ વિસ્તારમાં એક જમીન દલાલનું અપહરણ કરીને ?૫૨ લાખથી વધુની ખંડણી ઉઘરાવનાર કુખ્યાત ગુનેગાર સંગ્રામસિંહ શિકરવાર પોલીસ એન્કાઉન્ટરમાં ઘાયલ થયો છે. પોલીસ કસ્ટડીમાંથી ભાગી છૂટવાના પ્રયાસમાં તેણે ક્રાઇમ બ્રાન્ચના એક અધિકારી પાસેથી રિવોલ્વર છીનવી લીધી હતી અને ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. આત્મરક્ષણ માટે અને આરોપીને ભાગી જતા અટકાવવા માટે અન્ય અધિકારીએ તેના પગમાં ગોળી મારી હતી. ઘાયલ આરોપીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
ઘટનાની વિગતો જોઈએ તો વષાલ વિસ્તારમાં રહેતો સંગ્રામસિંહ શિકરવાર અને તેના સાથીઓએ વટવાના એક જમીન દલાલનું અપહરણ કરીને રૂા.૫૨ લાખની ખંડણી લીધી હતી. આ ઘટના બાદ રામોલ પોલીસે તેની ધરપકડ કરી હતી. ગઈકાલે મોડી રાત્રે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ તેને કસ્ટડીમાં લેવા રામોલ પોલીસ સ્ટેશને પહોંચી હતી. જ્યારે તેને પોલીસ વાહનમાં લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે તેણે અચાનક એક પીઆઈની રિવોલ્વર છીનવી લીધી અને પોલીસ ટીમ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો.
આરોપીના આ હિંસક પ્રયાસને નિષ્ફળ બનાવવા માટે ક્રાઇમ બ્રાન્ચના અન્ય અધિકારીએ સંગ્રામસિંહના પગમાં ગોળી મારી, જેના કારણે તે ત્યાં જ ઢળી પડ્યો. પોલીસ દ્વારા તેની તાત્કાલિક ધરપકડ કરવામાં આવી અને સુરક્ષાના ચુસ્ત બંદોબસ્ત સાથે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
સંગ્રામસિંહ રાકેશસિંહ શિકરવાર (રહેવાસી વષાલ, મૂળ ગ્વાલિયર, મધ્ય પ્રદેશ) સામે અગાઉ પણ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે, જેમાં હત્યા, હત્યાનો પ્રયાસ, અપહરણ, ખંડણી, અને હિંસક જૂથ અથડામણોનો સમાવેશ થાય છે. તે એક કુખ્યાત ગુનેગાર છે અને સંગઠિત ગુનાહિત પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલો છે. આ એન્કાઉન્ટર અંગે પોલીસ દ્વારા વધુ તપાસ ચાલી રહી છે.
કમિશ્નર જ્ઞાનેન્દ્રસિંહ મલ્લિક, ક્રાઇમ બ્રાન્ચ વડા શરદ સિંઘલના માર્ગદર્શનમાં ડીસીપી અજિત રાજિયાણ ટીમ આરોપીને પકડવા મેદાને પડી હતી.
(2:11 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
