<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

અમદાવાદ પાટીદાર બિલ્ડર હત્યાકાંડ: કરોડોના જમીન વિવાદનો ખૂની અંજામ: રાજસ્થાનથી ભાડૂતી હત્યારાઓની ધરપકડ

અમદાવાદના ૬૨ વર્ષીય બિલ્ડર હિંમતભાઈ રૂદાણીની ઘાતકી હત્યાનો ભેદ ગણતરીના કલાકોમાં  જ ઉકેલાઈ ગયો છે. આ હત્યા પાછળ નિકોલની કરોડોની જમીનનો વિવાદ અને જૂની વ્યવસાયિક અદાવત કારણભૂત હોવાનું બહાર આવ્યું છે. પોલીસે રાજસ્થાનમાંથી આ કેસમાં સંડોવાયેલા શંકાસ્પદ ભાડૂતી હત્યારાઓને ઝડપી પાડ્યા છે અને મુખ્ય સૂત્રધાર સુધી પહોંચવાના ચક્રો ગતિમાન કર્યા છે.

અમદાવાદ: શહેરના રિયલ એસ્ટેટ જગતને હચમચાવી દેનારા ૬૨ વર્ષીય બિલ્ડર હિંમત કનુભાઈ રૂદાણીની હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. શનિવાર રાત્રે વિરાટનગર ઓવરબ્રિજ નીચેથી કારની ડીકીમાંથી જેમનો છરીના અસંખ્ય ઘા મારેલો મૃતદેહ મળ્યો હતો, તે હત્યા પાછળ લાંબા સમયથી ચાલતો જમીન વિવાદ અને કરોડો રૂપિયાની છેતરપિંડી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, હિંમત રૂદાણી અને શહેરના અન્ય એક જાણીતા બિલ્ડર મનસુખ લાખાણી ઉર્ફે મનસુખ જેકી વચ્ચે નિકોલના ગંગોત્રી સર્કલ પાસે આવેલી એક કિંમતી જમીનને લઈને છેલ્લા ઘણા સમયથી તકરાર ચાલી રહી હતી. આ વિવાદ વર્ષ ૨૦૨૪ના જાન્યુઆરી મહિનામાં ત્યારે ચરમસીમાએ પહોંચ્યો જ્યારે માલિકી હક બાબતે થયેલી બોલાચાલી બાદ મામલો પોલીસ સુધી પહોંચ્યો હતો.

તપાસમાં એવું પણ બહાર આવ્યું છે કે, મૃતક હિંમતભાઈના પુત્ર ધવલ રૂદાણીએ સીઆઇડી ક્રાઈમના આર્થિક ગુના નિવારણ શાખા (ઈઓડબલ્યુ)માં મનસુખ લાખાણીના પુત્ર કિંજલ લાખાણી વિરુદ્ધ રૂપિયા ૧.૫ કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી.

ઈઓડબલ્યુમાં દાખલ થયેલી ફરિયાદ મુજબ, ધવલ રૂદાણી અને કિંજલ લાખાણીએ સંયુક્ત રીતે રૂપિયા ૩ કરોડમાં નિકોલમાં જમીન ખરીદી હતી અને 'કે.ડી. ડેવલપર્સ' નામે ૫૦-૫૦ની ભાગીદારીમાં એક કોમર્શિયલ પ્રોજેક્ટ શરૂ કર્યો હતો. આરોપ છે કે, કિંજલ લાખાણીએ ધવલભાઈની જાણ બહાર તેમની નકલી સહીઓ કરીને અને પેઢીના બનાવટી લેટરહેડનો ઉપયોગ કરીને સહકારી બેંક ખાતામાંથી રૂપિયા ૧.૫ કરોડ ઉપાડી લીધા હતા. આટલું જ નહીં, પ્રોજેક્ટની ઘણી દુકાનો પણ ભાગીદારને અંધારામાં રાખીને વેચી દેવાનો આરોપ છે. આ કેસ હાલ તપાસ હેઠળ છે અને હવે હત્યાની તપાસમાં પણ મુખ્ય કડી બની ગયો છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે આ કેસની ગંભીરતાને જોતા અલગ-અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસને હત્યારાઓ રાજસ્થાનમાં છુપાયા હોવાની બાતમી મળી હતી. જેના પગલે એક ટીમે રાજસ્થાનમાં દરોડા પાડીને કેટલાક શંકાસ્પદ શખ્સોને દબોચી લીધા છે, જેઓ ભાડૂતી હત્યારા હોવાનું મનાય છે. હાલ તેમની સઘન પૂછપરછ ચાલી રહી છે, જેથી હત્યાનો કોન્ટ્રાક્ટ કોણે અને કેટલામાં આપ્યો હતો તે રહસ્ય પરથી પડદો ઊંચકાઈ શકે.

અમદાવાદ પોલીસના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, "જૂનો જમીન વિવાદ અને આર્થિક છેતરપિંડીનો કેસ અમારી તપાસના કેન્દ્રમાં છે. અમે દરેક પાસાઓની ઊંડાણપૂર્વક તપાસ કરી રહ્યા છીએ. રાજસ્થાનથી ઝડપાયેલા શંકાસ્પદોની પૂછપરછ બાદ મુખ્ય સૂત્રધારોનાં નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે."

આ ઘટનાએ શહેરના બિલ્ડર લોબીમાં ભયનો માહોલ ફેલાવી દીધો છે અને પોલીસ આ હત્યા પાછળના મુખ્ય ષડયંત્રકારીઓ સુધી પહોંચવા માટે કડીઓ જોડી રહી છે.

 

(6:22 PM IST)