<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 14th September 2025

આમદલા ગામે સસ્તા અનાજની દુકાનમાં સડેલા અને જીવાત વાળા ઘઉં આપતા ગ્રામજનોમાં હોબાળો

NSUI પ્રમુખે રજૂઆત કરતા તાત્કાલિક ઘઉંનું વિતરણ બંધ કરાયું : પૂરવઠાનું અનાજ લેબોરેટરી ટેસ્ટ કર્યા બાદ દુકાનદારને અપાઈ છે ત્યારબાદ ગ્રાહકો ને મળે છે તો લેબ. ટેસ્ટ શું નાટ્યાત્મક હશે.

( ભરત શાહ દ્વારા )નર્મદા: કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા બીપીએલ અને અંત્યોદય કાર્ડ ધારકો ને આખું વર્ષ મફત આનાજ આપવામાં આવી રહ્યું છે. પરંતુ સરકાર જાણે ગરીબો સાથે મજાક કરતી હોય એમ પશુઓ પણ ના ખાય એવુ ગુણવત્તા વિનાનું અનાજ કેટલીક વાર સસ્તા અનાજની દુકાન થી ગરીબોને ઘઉં ચોખા અપાઈ રહ્યા છે. ત્યારે તાજેતરમા ગરુડેશ્વર તાલુકાના આમદલાની પંડિત દીનદયાલ સસ્તા અનાજની દુકાનમાં સડેલા અને જીવાત વાળા ઘઉં આપતા ગ્રામજનો એ હોબાળો કર્યો હતો. બાદમાં NSUI પ્રમુખ તેજસ તડવી તથા તેમની ટીમને જાણ થતા તેઓ આમદલા ગામ ખાતે સસ્તા અનાજની દુકાને આવી હોબાળો મચાવી મામલતદારને ટેલિફોનિક ફરિયાદ કરી હતી. જોકે પબ્લિકનો હોબાળો જોતા ઘઉં નું વિતરણ તાત્કાલિક અટકાવી દીધું હતું.

   આ બાબતે તેજસ તડવી એ જણાવ્યું હતું કે પશુઓ પણ ના ખાય એવા ખરાબ જીવડા વાળા, જાળા બાઝી ગયેલા ફૂગ પણ આવી ગઈ હોય એવા સડેલા ઘઉં આ સસ્તા અનાજની દુકાનો વાળા ગરીબો ને આપે છે. ફરિયાદ કરીએ તો ઉપરથી એવા આવે છે. તો સરકાર ગુણવત્તા ચકાસણી કરી ને કેમ નથી મોકલતી, આમ તો અનાજ ને લેબ. ટેસ્ટ કર્યા બાદ જથ્થો ગ્રાહકો ને વિતરણ કરાઈ છે તો આ જથ્થો કેમ આવો આવ્યો. આધિકરીઓ શું જુવે છે. આધિકારીઓ અને સસ્તા અનાજની દુકાનો વાળા ભેગા મળી સારા ઘઉં ચોખા ઉંચા ભાવે વેચી દે અને ગરીબોને આવા કચરો ખરાબ ઘઉં ચોખા આપે છે. જે યોગ્ય નથી આવું ગામેગામ  થાય છે. અમે ઉગ્ર આંદોલન કરીશું


 

(10:37 PM IST)