<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 15th September 2025

રાજ્યના વાતાવરણમાં થશે પલટો : મેઘરાજા ધીમાપગલે આવશે :ત્રણ દિવસ વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધશે.

ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી અને આગામી એક-બે દિવસમાં વિદાયની શરૂઆત થવાની શક્યતા નથી, ચોમાસું હજી ગુજરાતમાં સક્રિય

અમદાવાદ :છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતના અમુક જ તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુજરાતમાંથી ચોમાસાની વિદાય હજુ થઈ નથી અને આગામી એક-બે દિવસમાં પણ વિદાયની શરૂઆત થવાની શક્યતા નથી. પરંતુ ચોમાસું હજી ગુજરાતમાં સક્રિય છે. ત્યારે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી વ્યક્ત કરી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, આજે 15 સપ્ટેમ્બરથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે, જે શરૂઆતમાં સિમિત વિસ્તારોમાં રહેશે, પરંતુ 16, 17 અને 18 સપ્ટેમ્બર આવતા આવતા વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધશે.

હવામાન વિભાગની આગાહી મુજબ, 15થી 16 સપ્ટેમ્બર આસપાસથી વરસાદનો એક નવો રાઉન્ડ શરૂ થવાની સંભાવના છે. છેલ્લા બે દિવસમાં અમુક સિમિત વિસ્તારોમાં છૂટાછવાયા ગાજવીજ સાથે હળવો વરસાદ નોંધાયો છે.આજે 15 સપ્ટેમ્બરથી ધીમે ધીમે વરસાદની શરૂઆત થશે, જે શરૂઆતમાં સિમિત વિસ્તારોમાં રહેશે, પરંતુ 16, 17 અને 18 સપ્ટેમ્બર આવતા આવતા વરસાદનો વિસ્તાર અને તીવ્રતા વધશે. આ વરસાદી રાઉન્ડ મુખ્યત્વે 15થી 21 સપ્ટેમ્બર સુધીનો રહેશે, જોકે 21 સપ્ટેમ્બર પછી પણ વરસાદ ચાલુ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી નથી, પરંતુ ગુજરાતના 40થી 50 ટકા વિસ્તારોને આ વરસાદનો લાભ મળશે.

પરેશ ગોસ્વામીએ વધુમાં જણાવ્યું કે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા વધુ રહેશે, ત્યારબાદ મધ્ય ગુજરાતના આણંદ, નડિયાદ અને વડોદરા જેવા વિસ્તારો તેમજ ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં પણ વરસાદ જોવા મળી શકે છે. 18, 19, 20 અને 21 સપ્ટેમ્બરના દિવસોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા વધુ છે. આ વરસાદ મુખ્યત્વે બપોર પછીના સેશનમાં આવશે અને તેમાં ગાજવીજ અને પવનનું પ્રમાણ પણ વધારે રહી શકે છે. આ વરસાદમાં અતિવૃષ્ટિની કોઈ શક્યતા નથી. જ્યાં વરસાદ પડશે ત્યાં એકથી બે કલાક માટે એક થી બે ઇંચ અને અમુક વિસ્તારોમાં બેથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે.

(7:02 PM IST)