<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 17th September 2025

રાજયમાં ચોમાસાના વરસાદનો આ હવે અંતિમ અધ્‍યાય !!

આવનારા દિવસોમાં બંગાળની ખાડીમાં હજુ વધુ એક બે સિસ્‍ટમો ઉદ્‌ભવશે પણ રાજસ્‍થાન-ગુજરાતમાં પ્રવેશી નહીં શકે

(મહમદ રાઠોડ દ્વારા) વાંકાનેર, તા. ૧૭: ગત ચઉદમીએ રાજસ્‍થાનના અને બે દિ' બાદ સોળમી સપ્‍ટેમ્‍બરે હવે ગુજરાતના અમુક હિસ્‍સાઓમાં ચોમાસાએ વિદાય લીધાની જાહેરાત આઇએમડી દ્વારા સતાવાર રીતે થઇ હોઇ. ‘હવે ગુજરાતમાં ભારે વરસાદના દિવસો ગયા' એવા શિર્ષક સાથેનો થોડા દિવસ પહેલાનો આ માધ્‍યમમાં જ પ્રસિધ્‍ધ થયેલ અહેવાલ હવે અર્થાર્થ સ્‍વરૂપ બન્‍યો છે. બંગાળની ખાડીની સીસ્‍ટમના આગમનથી બે-ત્રણ દિવસ દ.ગુજરાત-સૌરાષ્‍ટ્રમાં જે વરસાદી માહોલની સંભાવના આઇએમડીના ફોરકાસ્‍ટ મેપ્‍સમાં જોવા મળે છે તે હળવા-મધ્‍યમ વરસાદનો આ સંભવિત રાઉન્‍ડ હવે આ ચોમાસાનો અંતિમ અધ્‍યાય બની રહેવાનો છે. સ્‍કાયમેટના વી.પી. મહેશ પલાવતના ગુજરાત માટેના આ અંતિમ અધ્‍યાય માટે અલંકારિક શબ્‍દો મુજબ આ મોનસૂનનો ગુજરાતમાં આ ‘લાસ્‍ટ એપિસોડ' હશે.

ઓણસાલનું ચોમાસુ કંઇક વિચિત્ર અને કેટલાક પ્રલયકારી સાબિત થયુ છે. છેલ્લે હિમાચલ-ઉતરાખંડમાં આભા ફાટયાની ઘટનાઓ હજુ તાઝી છે એ પૂર્વે દેશના ઘણા ભાગોમાં અતિ વૃષ્‍ટિ - જળ પ્રલયની ઘણી ઘટનાઓ આ હાલના ‘એડવાન્‍સ' મોન્‍સૂનમાં જ બનવા પામી છે. આ ચોમાસુ શરૂ પણ વહેલુ થયેલુ અને તેની વિદાય પણ વહેલી થઇ છે. ગુજરાતમાં હવે જે વરસાદનું મધ્‍યમ-હળવુ સ્‍વરૂપ આપણને જોવા મળશે તે છેલ્લુ છેલ્લુ, અંતિમ-લાસ્‍ટ દ્રશ્‍ય હશે કારણ કે રાજસ્‍થાન પાસે એન્‍ટી સાયકલોન-ઉતર પヘમિ પવનોનો પ્રારંભ થઇ ચુકયો છે. જે બંગાળની ખાડીમાં ઉદ્‌ભવનારી કોઇપણ સિસ્‍ટમને રાજસ્‍થાન કે ગુજરાતના સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં પ્રવેશવા નહીં દે.

આ છેલ્લા હળવા વરસાદી રાઉન્‍ડ બાદ ગુજરાત-રાજસ્‍થાનમાં શિયાળાનું દબાતા પગલે રાત્રિના અર્થાત ભાંગતી રાતથી આગમન શરૂ થઇ જશે.

(11:37 AM IST)