News of Thursday, 18th September 2025
આણંદમાં નશામાં ધૂત વકીલે રોંગસાઈડમાં કાર ચલાવી : રોકવા પ્રયાસ કરતા લોખંડની બેરિકેડ્સ સાથે અથડાવી
બેશરમ થઈને બોલ્યો કે "હું નશામાં જ છું. હું હંમેશા નશામાં જ હોઉં છું. તારી તાકાત હોય તો કરી લે, સવારથી સાંજ સુધી નશામાં રહું છું

આણંદના ગણેશ ચોકડી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વકીલે દારૂ પીધેલી હાલતમાં રોંગસાઈડમાં કાર ચલાવીને અન્ય વાહનચાલકોના જીવ જોખમમાં મૂક્યા હતા. ટ્રાફિક પોલીસે તેને રોકવાનો પ્રયાસ કરતાં તેણે સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવ્યો અને કાર લોખંડના બેરિકેડ્સ સાથે ધડાકાભેર અથડાઈ હતી. પોલીસે તાત્કાલિક તેની અટકાયત કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આ ઘટના ગઈકાલે સાંજે બની હતી. આણંદ ટ્રાફિક પોલીસની ટીમ ગણેશ ચોકડી પર નિયમિત ફરજ બજાવી રહી હતી. તે સમયે ચિખોદરા ચોકડી તરફથી એક કાર રોંગસાઈડમાં પુરપાટ ઝડપે આવી રહી હતી. કારચાલકની બેફામ ડ્રાઇવિંગને કારણે અન્ય વાહનચાલકો અને રાહદારીઓનો જીવ જોખમમાં મુકાયો હતો. ફરજ પર હાજર ટ્રાફિક પોલીસે તાત્કાલિક કારને ઊભી રાખવા માટે ઈશારો કર્યો. જોકે, કારચાલકે પોલીસને જોઈને સ્ટીયરીંગ પરથી કાબુ ગુમાવી દીધો અને કાર રોડની વચ્ચે મુકાયેલા બેરિકેડ્સ સાથે અથડાઈને ઊભી રહી ગઈ.
પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને કારચાલકને પકડી પાડ્યો. તેની ઓળખ વકીલ જયદીપસિંહ ગોવિંદસિંહ વાઘેલા તરીકે થઈ. પોલીસે તપાસ કરતાં તે દારૂના નશામાં હોવાનું સ્પષ્ટ જણાઈ આવ્યું. તેની આંખો લાલ થઈ ગઈ હતી અને મોઢામાંથી દારૂની તીવ્ર ગંધ આવી રહી હતી. તે ઊભો પણ રહી શકતો ન હતો.
આ ઘટનાનો એક વીડિયો પણ ઉતારવામાં આવ્યો, જેમાં વકીલ જયદીપસિંહ બેશરમ થઈને બોલી રહ્યો હતો કે, "હું નશામાં જ છું. હું હંમેશા નશામાં જ હોઉં છું. તારી તાકાત હોય તો કરી લે, સવારથી સાંજ સુધી નશામાં રહું છું." આ પ્રકારના તેના નિવેદનોથી તેની બેફામ માનસિકતા સ્પષ્ટ થઈ હતી.
આ ઘટનાને ગંભીરતાથી લઈને પોલીસે વકીલ જયદીપસિંહ વાઘેલા વિરુદ્ધ મોટર વ્હીકલ એક્ટ અને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે અને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. સમાજમાં જવાબદાર ગણાતા વકીલ દ્વારા આ પ્રકારનું બેજવાબદાર વર્તન થવું એ ચિંતાજનક બાબત છે અને કાયદાનું પાલન કરાવતી પોલીસ માટે પણ પડકારરૂપ છે.
(1:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
