<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 18th September 2025

ગુજરાત વિદ્યાપીઠ દ્વારા સેવા એપ્‍લીકેશન અનાવરણઃ યુનિવર્સિટીઓ માટે ઉપલબ્‍ધ

ગુજરાત વિદ્યાપીઠમાં કુલપતિ ડો. હર્ષદ પટેલની હાજરીમાં ‘સેવા' એપ્‍લીકેશન શુભારંભ કરવામાં આવેલ તે પ્રસંગની તસ્‍વીર.

 રાજકોટ તા. ૧૮ :.. સેવા પખવાડિયા નિમિત્તે ગૂજરાત વિદ્યાપીઠના કમ્‍પ્‍યુટર વિજ્ઞાન વિભાગ દ્વારા સ્‍વવિકસિત “SEVA - Sevak Entry & Visitor Appointment (સેવા)  એપ્‍લિકેશનનું અનાવરણ તથા અર્પણ કાર્યક્રમ યોજાયો હતો. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠના કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલની અધ્‍યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાજ્‍યની સહભાગી યુનિવર્સિટીઓના કુલપતિશ્રીઓ - આઈ.આઈ.ટી.ઈ. - ગાંધીનગર, ચિલ્‍ડ્રન્‍સ યુનિવર્સીટી, સરદાર પટેલ યુનિવર્સીટી તથા કૌશલ્‍ય - ધ સ્‍કિલ યુનિવર્સીટી ઉપસ્‍થિત રહ્યા હતા.

આ એપ્‍લિકેશન- ગૂજરાત વિદ્યાપીઠના કમ્‍પ્‍યુટર વિજ્ઞાન વિભાગના બી.સી.એ.ના વિદ્યાર્થી શ્રી રોહન પંચાલ દ્વારા સેવક એન્‍ટ્રી એન્‍ડ વિઝીટર એપોઈન્‍ડમેન્‍ટ સિસ્‍ટમ વિકસાવવામાં આવી છે અને ટેકનીકલ આસીસ્‍ટન્‍ટ શ્રી સંજયભાઈ નલવાયા દ્વારા એપને ડેવેલપ કરવામાં આવી છે, જેનું માર્ગદર્શન ગૂજરાત વિદ્યાપીઠના કમ્‍પ્‍યુટર વિજ્ઞાન વિભાગના અધ્‍યક્ષ શ્રી અજયભાઈ પરીખે કરેલ હતુ. આ એપના માધ્‍યમથી ગૂજરાત વિદ્યાપીઠના કર્મચારીઓ એકબીજા સાથે મીટિંગનું આયોજન સરળતાથી કરી શકશે. કાર્યક્ષમતા, સમયબદ્ધતા અને સંકલનના દ્રષ્ટિકોણથી આ એપ્‍લિકેશન વિદ્યાપીઠ અને રાજ્‍યની અન્‍ય યુનિવર્સીટી માટે મહત્‍વપૂર્ણ સાબિત થશે.

ગૂજરાત વિદ્યાપીઠના આદરણીય કુલપતિશ્રી ડો. હર્ષદ પટેલ  જાહેરાત કરેલ છે કે આ એપ્‍લિકેશન રાજ્‍યની સહભાગી તમામ યુનિવર્સિટીઓને વિનામૂલ્‍યે ઉપલબ્‍ધ કરાવવામાં આવશે. આ પગલાથી વિવિધ યુનિવર્સિટીઓ વચ્‍ચે શૈક્ષણિક તથા પ્રશાસકીય સ્‍તરે કાર્યક્ષમતા વધશે અને ટેકનોલોજીકલ પ્રગતિને વેગ મળશે. 

(3:36 PM IST)