News of Friday, 19th September 2025
સહવિદ્યાર્થીઓના ટોર્ચરથી કંટાળી ૧૩ વર્ષીય સગીરાએ ફિનાઈલ પીધું
વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હાલ સામે આવ્યોઃરિસેસ દરમિયાન બ્લેડથી ચેકા મારી લાઈટરથી ડામ આપ્યો હતો આ ટોર્ચર બાદ સગીરાએ ફિનાઈલ પીને આપધાતનો પ્રયાસ કર્યો

પાટણ,તા.૧૯
અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીની હત્યા બાદથી શરૃ થયેલો શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાનો મુદ્દો હાલ અતિ ગંભીર સ્વરૃપ ધારણ કરી રહ્યો છે, તેવામાં પાટણના સરસ્વતી તાલુકામાંથી પણ વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો હાલ સામે આવ્યો છે. સરસ્વતી તાલુકાના ચોરમારપુરા ખાતે આવેલા કેન્દ્રીય વિદ્યાલયમાં ૧૩ વર્ષની સગીર વિદ્યાર્થિનીને અન્ય સાથી વિદ્યાર્થીએ રિસેસ દરમિયાન બ્લેડના ચેકા મારી, લાઇટર વડે ડામ દીધો હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ભયાનક ટોર્ચરથી ત્રાસીને સગીર વિદ્યાર્થિનીએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. જોકે હાલ આ તે ICUમાં દાખલ હોવાની માહિતી સામે આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ચોરમારપુરા કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ ૮માં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની પર ૧૬ સપ્ટેમ્બરે બપોરે ૧૨ વાગ્યે શાળાના રિસેસ વખતે ત્રણ સાથી વિદ્યાર્થીઓએ ભયાનક ટોર્ચર કર્યો હોવાનું જાણવા મળ્યું છે. પિતાના આરોપ મુજબ, બે છોકરાઓએ તેને પકડી રાખી જ્યારે ત્રીજા વિદ્યાર્થીએ તેના હાથમાં બ્લેડથી ચેકા માર્યા અને લાઇટરથી આંગળીઓ પર ડામ આપીને ત્રાસ આપ્યો છે. ઘટના બાદ વિદ્યાર્થિનીએ સ્કૂલના શિક્ષકોને પણ મદદ માંગી પરંતુ તેઓએ વિદ્યાર્થીનીને ચૂપ રહેવા દબાણ કર્યું છે.
આ ટોર્ચરથી કંટાળી ગયેલી વિદ્યાર્થીનીએ ફિનાઇલ પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. તેને તાત્કાલિક પાટણની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે, જ્યાં તે છેલ્લા ૩૬ કલાકથી ICUમાં દાખલ છે અને તેની હાલત હાલ સ્થિર હોવાનું સામે આવ્યું છે. ત્યારે ઘટનાએ વાલીઓ અને સમાજમાં તીવ્ર આક્રોશ ફેલાવ્યો છે, સાથે જ શાળાના પ્રિન્સિપાલ સહિત શિક્ષકો પર બેદરકારીના આરોપો લાગ્યા છે. પોલીસે તપાસ હાથ ધરી છે, જ્યારે ઠાકોર સમાજના આગેવાનોએ કડક કાર્યવાહીની માગ કરી છે.
ઘટનામાં ભોગબનનાર વિદ્યાર્થિનીના પિતા એક ઈઠ આર્મી ઓફિસર છે, તેમણે જણાવ્યું કે, આજથી પાંચ મહિના પહેલાં પણ મારી દીકરીએ આ ટોર્ચર વિશે જાણ કરી હતી. વારંવાર રજૂઆતો છતાં શાળા મેનેજમેન્ટ અને ક્લાસ ટીચરે બેદરકારી દાખવી હતી. ક્લાસ ટીચરે તો પરિવારને બાબત ના કહેવા અને ધમકાવવાનું દબાણ કર્યું હતું. જ્યારે વાલીએ CCTV ફૂટેજ જોવાની માંગ કરી ત્યારે પ્રિન્સિપાલે કહ્યું કે, પાસવર્ડની જાણકારી નથી. આ ઉપરાંત, આ ગુનાને દબાવવાની કોશિશ કરનારા સામે પણ કાર્યવાહીની માંગ કરી છે.
ઘટના બાદ પીડિતના પરિવારજનો સહિત સમાજના આગેવાનો પણ પાટણ તાલુકા પોલીસ સ્ટેશને પહોંચ્યા હતા અને આ મામલે ફરિયાદ નોંધાવી છે, જેથી પોલીસે FIR નોંધી તપાસનો ધમધમાટ શરૃ કર્યો છે. ત્યારે આ મામલે શાળા સંચાલક સ્ટાફની બેજવાબદારી અને તેમની સંડોવણી સામે આવે તો કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ સમાજના આગેવાનો કરી રહ્યા છે. ઘટના પર ઠાકોર સમાજના આગેવાન નવઘણજી ઠાકોરે તીવ્ર પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું, *વિદ્યાર્થીનીને સદારામ સેવા સમિતિ દ્વારા દત્તક લીધી છે અને તેને ન્યાય અપાવીશું.* તેમણે શાળાના તમામ સ્ટાફ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી, જેઓની સંડોવણી સામે આવે.
નોંધનીય છે કે, અમદાવાદમાં સેવેન્થ ડે સ્કૂલમાં એક વિદ્યાર્થીની હત્યા બાદથી સ્કૂલમાં આવી હિંસાની ઘણીબધી ગંભીર ઘટનાઓ સામે આવી છે. થોડા દિવસ પહેલા જુનાગઢમાં પણ એક ખાનગી સ્કૂલની હોસ્ટેલમાં ચાર-પાંચ વિદ્યાર્થીઓ દ્વારા એક વિદ્યાર્થીને માર માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આ ઉપરાંત સુરતમાં પણ વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થીએ લોખંડના સળિયા વડે હુમલો કરી દીધો હતો. ત્યારે વારંવાર બનતા આવા કિસ્સામાં હાલ પાટણની વધુ એક આ ઘટના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો સાબિત થયો છે. ત્યારે આવી ઘટનાઓ વિદ્યાર્થીઓની સુરક્ષા અને માનસિક આરોગ્ય પર પ્રશ્નો ઉભા કરે છે, જેના માટે તાત્કાલિક અને કડક પગલાંની જરૃર છે.
(10:36 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
