<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th September 2025

સુરત જળબંબાકાર, લિંબાયતમાં એક કલાકમાં સાડા ચાર ઇંચ વરસાદ પડ્યો

મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૃપ બતાવ્યું:પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા

સુરત,તા.૧૯

સુરત શહેરમાં છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે, જેના કારણે સુરતના કેટલાક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ ગયા છે. ખાસ કરીને રાત્રિના સમયે અસહ્ય ગરમી અને બફારા બાદ વહેલી સવારથી જ શરૃ થયેલા ધોધમાર વરસાદે વાતાવરણમાં ઠંડક પ્રસરાવી દીધી હતી. લિંબાયત વિસ્તારમાં તો મેઘરાજાએ રીતસરનું રૌદ્ર સ્વરૃપ બતાવ્યું હતું, જ્યાં માત્ર એક કલાકમાં સાડા ચાર ઇંચ જેટલો ભારે વરસાદ ખાબક્યો હતો.શહેરના અન્ય વિસ્તારો જેવા કે પીપલોદ, અઠવા, ગડુમસ રોડ, વરાછા, સિટીલાઇટ, અડાજણ, રાંદેર, ડુમસ અને ઉધનામાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. ઉધના ત્રણ રસ્તા જેવા મુખ્ય માર્ગો પર ગોઠણસમા પાણી ભરાઈ જતા વાહન-વ્યવહારને ગંભીર અસર પહોંચી હતી. પાણી ભરાવાના કારણે અનેક વાહનો રસ્તામાં જ બંધ પડી ગયા હતા, જેના કારણે લાંબા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા.

વરસાદી પાણીના કારણે રસ્તાઓ પર વિઝિબિલિટી પણ ઘટી ગઈ હતી, જેના લીધે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. નોકરી-ધંધા પર જતા લોકો અને વિદ્યાર્થીઓ અટવાયા હતા. જોકે, એક તરફ જ્યાં વરસાદે મુશ્કેલીઓ ઊભી કરી હતી, ત્યાં બીજી તરફ શહેરીજનોને અસહ્ય ગરમી અને ઉકળાટમાંથી મોટી રાહત મળી હતી. છેલ્લા કેટલાક દિવસોથી પડી રહેલી ગરમી બાદ વાતાવરણમાં ઠંડક પ્રસરી જતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

મહાનગરપાલિકા દ્વારા પાણીના નિકાલ માટેની કામગીરી હાથ ધરવામાં આવી છે, પરંતુ સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પરિસ્થિતિ વિકટ બની છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે તંત્રને એલર્ટ રહેવા સૂચના આપવામાં આવી છે.

સપ્ટેમ્બર-૨૦૨૫ની સ્થિતિએ સરેરાશ ૧૦૮ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.

 જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં ૧૩૫ ટકા, ઉત્તર ગુજરાતમાં ૧૧૮ ટકા, દક્ષિણ ગુજરાતમાં ૧૧૨ ટકા, પૂર્વ-મધ્યમમાં ૧૧૦ ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં ૯૩  ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે.  

વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ ૨૦૬ ડેમમાંથી ૧૪૫ ડેમ હાઈએલર્ટ એટલે કે ૭૦ થી ૧૦૦ ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે ૧૨ ડેમ એલર્ટ પર તેમજ ૧૭ ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના ૯૩ ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.

(10:38 PM IST)