News of Saturday, 20th September 2025
‘નમો સૌને ગમો' બાદ પ્રાગટ્ય ફિલ્મ્સ હવે બનાવશે દેશભક્તિથી સભર હિન્દી ફિલ્મ ‘નમો બાર બાર'

રાજકોટઃ ‘નમો સૌને ગમો' અને ‘ગોતી લો' જેવી ફિલ્મોની સફળતા બાદ, અમદાવાદ સ્થિત પ્રાગટ્ય ફિલ્મ્સ પ્રાઇવેટ લિમિટેડે હવે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસના અવસરે એક નવી દેશભક્તિથી ભરપૂર હિન્દી ફિલ્મ ‘નમો બાર બાર' ના નિર્માણની જાહેરાત કરી છે. દિગ્દર્શક દિવ્યેન રાયઠઠા અને દિપક અંતાણીના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મની સંપૂર્ણ આવક દેશની સુરક્ષા કાજે પ્રધાનમંત્રી રાહત ફંડમાં સમર્પિત કરવામાં આવશે તેમ આ બંને મહાનુભાવો જણાવે છે.
ફિલ્મ નિર્માતાઓના જણાવ્યા અનુસાર, આ ફિલ્મ વર્તમાન સમયમાં વૈશ્વિક મહાસત્તા બનવા તરફ અગ્રેસર ભારતની છબી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના મજબૂત નેતૃત્વને કેન્દ્રમાં રાખશે. છેલ્લા સમયમાં દેશની વિદેશ નીતિ અને કૂટનીતિને મળેલી વૈશ્વિક સ્વીકૃતિને ધ્યાનમાં રાખીને, આ ફિલ્મ દ્વારા વિશ્વને એક સચોટ સંદેશ આપવાનો પ્રયાસ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે પ્રાગટ્ય ફિલ્મ્સ દ્વારા વર્ષ ૨૦૧૩-૧૪માં ‘નમો સૌને ગમો' નામની ગુજરાતી ફિલ્મ બનાવવામાં આવી હતી, જે આતંકવાદ સામે સરકારના પ્રયાસો પર આધારિત હતી. તે સમયે ફિલ્મને સેન્સર બોર્ડથી લઈને અન્ય સ્તરે અનેક વિરોધોનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રોડક્શન હાઉસ દિગ્દર્શક દિપક અંતાણીના સંચાલન હેઠળ ૫૦ કલાકારો સાથેનું ઐતિહાસિક નાટ્યશો ‘ધ પ્લે સરદાર પટેલ'નું પણ વર્ષોથી ગુજરાત સહિત અનેક રાજ્યોમાં સફળતાપૂર્વક મંચન કરી રહ્યું હોવાનું પણ તેમણે એક લેખિત યાદીમાં જણાવ્યું છે.
આ દેશહિતના કાર્યમાં સૌરાષ્ટ્ર ભાજપના સાંસ્કૃતિક સેલ સાથે સંકળાયેલા શ્રી વિજય કારીયા પણ જોડાયેલા છે. નિર્માતાઓએ જણાવ્યું છે કે આ રાષ્ટ્રહિતના પ્રયાસમાં લોકોના સૂચનો પણ આવકાર્ય છે, જે પ્રોડક્શન ટીમને તેમના સત્તાવાર ઈમેલ એડ્રેસ pragatyafilmspvtltd@ gmail.com પર મોકલી શકાશે.(૩૮.૪૧)
(10:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
