News of Saturday, 20th September 2025
અમૂલ ડેરીએ ગ્રાહકોને ખુશખબરી આપી : GSTના નવા દર લાગુ થતા તેની 700 જેટલી પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા
ઘીનો ભાવ પ્રતિ લિટર 40 રૂપિયા સુધી સસ્તો થયો: માખણમાં 20 રૂપિયાનો ઘટાડો:આઈસ્ક્રીમમાં 15 રૂપિયા, અમૂલ ચીઝના એક કિલોમાં 30 રૂપિયા અને પનીરના એક કિલોમાં 15 રૂપિયાનો ઘટાડો થયો

અમૂલ ડેરીએ તહેવાર પહેલા ગ્રાહકોને મોટી ખુશખબરી આપી છે. GSTના નવા દર લાગુ થતાની સાથે જ અમૂલે તેની 700 જેટલી પ્રોડક્ટના ભાવ ઘટાડ્યા છે. નવરાત્રી પહેલા મળેલ આ ભેટ ગ્રાહકો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઈ શકે છે.
ઘીનો ભાવ પ્રતિ લિટર 40 રૂપિયા સુધી સસ્તો થયો છે, જ્યારે માખણમાં 20 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે. આઈસ્ક્રીમમાં 15 રૂપિયા, અમૂલ ચીઝના એક કિલોમાં 30 રૂપિયા અને પનીરના એક કિલોમાં 15 રૂપિયાનો ઘટાડો થયો છે. આમ, તહેવારની સિઝનમાં અમૂલે ગ્રાહકોને કિંમતોમાં રાહત આપી છે.
ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનએ જણાવ્યું હતું કે, "આ સુધારા માખણ, ઘી, યુએચટી મિલ્ક, આઈસ્ક્રીમ, ચીઝ, ચોકલેટ, બેકરી રેન્જ, ફ્રોઝન ડેરી અને બટાકાના નાસ્તા, કન્ડેન્સ્ડ મિલ્ક, પીનટ સ્પ્રેડ, માલ્ટ આધારિત પીણાં વગેરે જેવી પ્રોડક્ટ કેટેગરીમાં કરવામાં આવ્યા છે." માખણ (100 ગ્રામ) ની MRP 62 રૂપિયાથી ઘટાડીને 58 રૂપિયા કરવામાં આવી છે. ઘીના ભાવ 40 રૂપિયા ઘટાડીને 610 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવ્યા છે. અમૂલ પ્રોસેસ્ડ ચીઝ બ્લોક (1 કિલો) ની મહત્તમ છૂટક કિંમત 30 રૂપિયા ઘટાડીને 545 રૂપિયા પ્રતિ કિલો કરવામાં આવી છે. ફ્રોઝન પનીર (200 ગ્રામ) ની નવી મહત્તમ છૂટક કિંમત 22 સપ્ટેમ્બરથી 95 રૂપિયા થશે, જે હાલમાં 99 રૂપિયા છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, "અમૂલ માને છે કે કિંમતોમાં ઘટાડો થવાથી વિવિધ ડેરી ઉત્પાદનો, ખાસ કરીને આઈસ્ક્રીમ, ચીઝ અને માખણનો વપરાશ વધશે, કારણ કે ભારતમાં માથાદીઠ વપરાશ હજુ પણ ખૂબ ઓછો છે, જેનાથી વિકાસની વિશાળ તકો ઊભી થશે." ૩૬ લાખ ખેડૂતોની માલિકીની GCMMF એ જણાવ્યું હતું કે કિંમતોમાં ઘટાડો થવાથી તેના ડેરી ઉત્પાદનોની માંગ વધશે, જેનાથી તેનો વ્યવસાય પણ વધશે. તમને જણાવી દઈએ કે અમૂલ પહેલા મધર ડેરીએ પણ ૨૨ સપ્ટેમ્બરથી તેના ઉત્પાદનોના ભાવમાં ઘટાડો કરવાની જાહેરાત કરી હતી.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
