તા. ૨૮ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ માગશર સુદ – ૮ શુક્રવાર
News of Sunday, 21st September 2025
માંડલ-બેચરાજી સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) બન્યું ઔદ્યોગિક ક્રાંતિનું કેન્દ્ર : સ્થાનિક લોકોના જીવનધોરણમાં આવ્યો સુધારો
ઓટોમોબાઈલ હબ બનવાને કારણે સ્થાનિક રોજગાર અને વ્યવસાયને મળ્યો વેગ : પ્રદ્યુમનસિંહ ઝાલા જેવી અનેક વ્યક્તિઓનો વ્યવસાય ₹3.50 કરોડ સુધી પહોંચ્યો : વાઇબ્રન્ટ ગુજરાત કોન્ફરન્સમાં પણ ચર્ચા

ગાંધીનગર : એક સમયે પછાત ગણાતા માંડલ-બેચરાજી વિસ્તારમાં આવેલો સ્પેશિયલ ઈન્વેસ્ટમેન્ટ રિજન (MBSIR) આજે વિશ્વના સૌથી મોટા ઓટોમોબાઈલ હબ તરીકે ઉભરી રહ્યો છે. મારુતિ સુઝુકી અને હોન્ડા જેવી મોટી કંપનીઓની સ્થાપના થવાથી સ્થાનિક લોકોના જીવનધોરણમાં નોંધપાત્ર સુધારો થયો છે, અને સ્થાનિક ધંધા-રોજગારને વેગ મળ્યો છે.
સ્થાનિકો માટે રોજગાર અને આવકની તકો:
MBSIR ના કારણે સ્થાનિક સ્તરે સ્કિલ્ડ અને અનસ્કિલ્ડ બંને પ્રકારના શ્રમિકો માટે રોજગારીની અઢળક તકો ઊભી થઈ છે. અમદાવાદના માંડલ તાલુકાના સીતાપુર ગામના અમરસિંહ ઠાકોરે જણાવ્યું કે, એક સમયે લોકો રોજગારી માટે સ્થળાંતર કરતા હતા, પરંતુ હવે આ વિસ્તારોમાં જ નોકરી મળતી હોવાથી સ્થળાંતર અટક્યું છે.
કરોડોનું ટર્નઓવર અને નાના વ્યવસાયોને ફાયદો:
MBSIR ના ઔદ્યોગિક વિકાસનો સીધો ફાયદો નાના-મોટા ઉદ્યોગસાહસિકોને થયો છે. બેચરાજીના 31 વર્ષીય પ્રદ્યુમનસિંહ ઝાલા, જેઓ ₹30,000ના પગાર સાથે કારકિર્દીની શરૂઆત કરતા હતા, આજે તેમનું ટાયર ડીલરશીપનું વાર્ષિક ટર્નઓવર ₹3.50 કરોડ સુધી પહોંચ્યું છે.
આ જ રીતે, ચાંદણકીમાં ટી સ્ટોલ ચલાવતા સુરેશભાઈ બજાણિયાનો દૈનિક વકરો પહેલાં ₹1,000 થી ₹1,200 હતો, જે હવે વધીને ₹4,000 થી ₹5,000 થઈ ગયો છે. તેમણે જણાવ્યું કે, આવક વધવાથી તેઓ પોતાના બાળકોને સારું શિક્ષણ આપી શકે છે.
ગ્રામીણ વિકાસ અને શિક્ષણમાં સુધારો:
MBSIR ના આગમનથી ગ્રામીણ વિસ્તારોમાં પણ વિકાસ થયો છે. બેચર ગામના આંગણવાડી કાર્યકર ગોપીબેન પ્રજાપતિએ જણાવ્યું કે, ગામમાં શૌચાલય, રસ્તા અને આરોગ્ય જેવી મૂળભૂત સુવિધાઓ પણ ઉપલબ્ધ થઈ છે.
શિક્ષણ ક્ષેત્રે પણ કંપનીઓની કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી (CSR) હેઠળ શાળાઓમાં યુનિફોર્મ, બેન્ચ, સ્માર્ટ બોર્ડ અને અન્ય માળખાકીય સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. હાંસલપુર પ્રાથમિક શાળાના આચાર્ય દિનેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, CBSE સ્કૂલો પણ આવવાથી બાળકો ગામમાં રહીને જ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવી રહ્યા છે.
વાઇબ્રન્ટ ગુજરાત રિજનલ કોન્ફરન્સમાં ચર્ચા:
વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે યોજાનારી પ્રાદેશિક કોન્ફરન્સિસમાં પણ MBSIRના વિકાસ મોડેલની ચર્ચા થશે. ઉત્તર ગુજરાત માટેની કોન્ફરન્સ આગામી 9-10 ઑક્ટોબર, 2025ના રોજ મહેસાણામાં યોજાશે. આ મેગા પ્રોજેક્ટ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રતિબદ્ધતાનું પરિણામ છે, જેનાથી એક સમયે પછાત ગણાતા વિસ્તારોમાં આજે તકોના દ્વાર ખુલ્યા છે.
(12:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
