<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 21st September 2025

સુરતમાં નવરાત્રી પહેલા જ મેઘરાજાની તોફાની બેટિંગ : ગરબા આયોજકોની ચિંતા વધી

છેલ્લા ચાર દિવસથી ધોધમાર વરસાદને કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા : લિંબાયત ગરનાળું બંધ થતા વાહનવ્યવહાર ઠપ્પ : હવામાન વિભાગની આગામી ત્રણ દિવસ થન્ડરસ્ટોર્મની આગાહી

સુરત : રાજ્યમાં નૈઋત્યના ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવા છતાં, સુરત શહેરમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. છેલ્લા ચાર દિવસથી સતત અને ધોધમાર વરસાદને કારણે શહેરના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે, જેનાથી ગરબા આયોજકો અને ખેલૈયાઓની ચિંતામાં વધારો થયો છે.
ભારે વરસાદના કારણે લિંબાયત ગરનાળું પાણીમાં ગરકાવ થઈ ગયું છે, જેના પરિણામે વાહનવ્યવહાર સંપૂર્ણપણે બંધ થઈ ગયો છે. આ ઉપરાંત, ઉધના-નવસારી રોડ, ઉન પાટિયા અને ભેસ્તાન સહિતના વિસ્તારોમાં પણ રસ્તાઓ પર પાણી ભરાઈ જતા વાહનચાલકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તાઓ જાણે નદીઓમાં ફેરવાઈ ગયા હોય તેવા દૃશ્યો જોવા મળ્યા હતા.
હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે, જેને થન્ડરસ્ટોર્મનું નામ આપવામાં આવ્યું છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં ભારે વરસાદ વરસી શકે છે. આ વરસાદના કારણે નવરાત્રી પહેલાનો માહોલ બગડ્યો છે અને ગરબાના આયોજનો પર પણ તેની અસર થવાની શક્યતા છે.
રાજ્યના અન્ય ભાગોમાં પણ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 104 તાલુકામાં વરસાદ પડ્યો છે, જેમાં નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ, બોડેલી અને હાલોલમાં 4 ઇંચ, જ્યારે જેતપુર પાવી, જાંબુઘોડા અને નેત્રંગમાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે, તેમ છતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

 

 

(2:17 PM IST)