News of Sunday, 21st September 2025
સુરત, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરતું હવામાન વિભાગે
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ : આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી

અમદાવાદઃ વરસાદને લઇ હવામાન વિભાગે આગામી 3 કલાક માટે નાવ કાસ્ટ જાહેર કર્યું છે. વરસાદની હવામાન વિભાગે આગાહી પ્રમાણે સુરત, તાપી, ભરૂચ, નવસારી, નર્મદા જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી છે. તો બીજીતરફ દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, ખેડા, મહીસાગર, અમદાવાદ, ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગર, અમરેલી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી સહિતના જિલ્લાઓમાં યલો એલર્ટ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે. આ સાથે રાજ્યમાં ગાજવીજ સાથે ભારે પવન ફૂંકાઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી 5 દિવસ રાજ્યમાં વરસાદી ઝાપટાં પડે તેવી આગાહી કરી છે. જેના કારણે નવરાત્રીમાં વરસાદનું વિઘ્ન આવી શકે છે. મધ્ય ગુજરાતમાં ગાજવીજ અને ભારે પવન સાથે વરસાદની પડે તેવા એંધાણ વ્યક્ત કરવામાં આવ્યા છે. ખાસ કરીને સુરત અને ભરૂચમાં વરસાદની આગાહી કરી છે.અમદાવાદમાં 24 સપ્ટેમ્બર સુધી વરસાદની શક્યતા રહેલી છે.નવરાત્રીના પહેલા દિવસે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડવાની શક્યતાના કારણે ખેલૈયાઓ પર ચિંતાના વાદળ છવાઈ શકે છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 104 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. નર્મદાના નાંદોદમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો, જ્યારે બોડેલી અને હાલોલમાં 4 ઇંચ વરસાદ વરસ્યો હતો. જેતપુર પાવી, જાંબુઘોડા, નેત્રંગમાં 3 ઇંચ, જ્યારે સંખેડા, માલપુર, ખાનપુર અને કપડવંજમાં 2 ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત, 35 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો. રાજ્યના 11 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ વરસાદ અને 20 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો અને નાગરિકોને વરસાદના આગમનથી રાહત મળી છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સાવચેતી રાખવા જણાવવામાં આવ્યું છે.
સપ્ટેમ્બર-2025ની સ્થિતિએ સરેરાશ 108 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છ પ્રદેશમાં 135 ટકા, ઉત્તર ગુજરાતમાં 118 ટકા, દક્ષિણ ગુજરાતમાં 112 ટકા, પૂર્વ-મધ્યમમાં 110 ટકા જ્યારે સૌરાષ્ટ્રમાં 93 ટકાથી વધુ સરેરાશ વરસાદ નોંધાયો છે. વધુમાં સાર્વત્રિક વરસાદના પરિણામે સરદાર સરોવર સિવાય રાજ્યના કુલ 206 ડેમમાંથી 145 ડેમ હાઈએલર્ટ એટલે કે 70 થી 100 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 12 ડેમ એલર્ટ પર તેમજ 17 ડેમ વોર્નિંગ પર મૂકવામાં આવ્યા છે. રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં હાલમાં તેની કુલ ક્ષમતાના 93 ટકાથી વધુ જળસંગ્રહ ઉપલબ્ધ છે.
(3:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
