<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ખેડૂતોની વેદના, ગત વર્ષ કરતા મગફળીના અડધા ભાવ મળ્‍યા

નવી મગફળીનું બજારમાં આગમન થઈ ગયું છે, ખેડૂતો મગફળી લઈને યાર્ડમાં પહોંચ્‍યા છે, પરંતુ પોષણક્ષમ ભાવ મળતા નથીઃ ખેડૂતોને ગત વર્ષ કરતા અડધા ભાવ મળી રહ્યા છે, જેના કારણે ખેડૂતોને આર્થિક નુકસાન : સરકાર જો મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતમાં જ કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, નહીં તો આ વર્ષે તેઓને વધુ નુકસાન સહન કરવું પડશે

અમદાવાદ, તા.૨૨: ગુજરાત રાજ્‍યમાં ઘણા ખેડૂતો મુખ્‍ય પાક તરીકે મગફળીનું વાવેતર કરતા હોય છે. આ વર્ષે પણ અનેક વિસ્‍તારોમાં મગફળીનું વાવેતર થયું હતું, જેમાં મગફળીનો પાક હવે તૈયાર થઈ ગયો છે. ખેડૂતોએ તે વેચાણ માટે માર્કેટિંગ યાર્ડમાં લઈ જવાનું શરૂ કર્યું છે. પરંતુ, હાલની પરિસ્‍થિતિમાં મગફળીના ભાવ ઓછા મળતા હોવાથી ખેડૂતોની મુશ્‍કેલી વધી રહી છે. ઓછા ભાવને કારણે મગફળીના વાવેતર પાછળ કરેલ ખર્ચ પણ ઊગરી રહ્યો નથી, જેથી ખેડૂતો નિરાશા અનુભવી રહ્યા છે.

ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં મગફળી વેચાણ કરવા આવેલા ખેડૂતો જણાવે છે કે અલગ-અલગ મગફળીના ભાવોમાં ફેર છે. જે મગફળીના ભાવ ૧,૫૦૦ રૂપિયાથી વધુ હોવા જોઈએ તે હાલ ૭૦૦ થી ૧,૦૦૦ રૂપિયાની આસપાસ મળતાં હોવાથી કહી શકાય કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહ્યા નથી. તેઓએ વધુમાં જણાવ્‍યું કે સરકાર જો મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂઆતમાં જ કરે તો ખેડૂતોને ફાયદો થઈ શકે છે, નહીં તો આ વર્ષે તેઓને નુકસાન સહન કરવું પડશે.

ખેડૂત ભગવાનભાઈએ જણાવ્‍યું કે પાંચ વીઘામાં આ વર્ષે મગફળીનું વાવેતર કર્યું હતું. મેં મગફળીનું વેચાણ કર્યું છે અને મને ૭૩૧ રૂપિયાનો ભાવ મળ્‍યો છે. બે વર્ષ પહેલાં મગફળીના ભાવ ૧,૨૦૦ રૂપિયા કરતા વધુ હતા. સરખામણીએ હાલમાં ખેડૂતોને મગફળીના અડધા ભાવ મળી રહ્યા છે. મગફળી તૈયાર કરવા માટે ખેડૂતો ઘણી મહેનત કરતા હોય છે, પરંતુ તેમને યોગ્‍ય ભાવ મળી રહ્યા નથી. આવા નાટકીય ભાવથી તો ચાર મહિના સુધી કરેલી મજૂરી પણ ઊભી થતી નથી. ૧,૫૦૦ રૂપિયાની આસપાસ મગફળીના ભાવ મળે તો જ ખેડૂતોને ફાયદો થાય છે.

ખેડૂત પ્રવીણભાઈએ જણાવ્‍યું કે ગયા વર્ષે મગફળીના ભાવ ૧,૮૦૦ રૂપિયાથી ૨,૦૦૦ રૂપિયા સુધી હતા, જ્‍યારે આ વર્ષે મગફળીના ભાવ ૭૦૦ રૂપિયાથી ૧,૧૦૦ રૂપિયા સુધી છે. હાલના સમયમાં ખેડૂતોને ઓછા ભાવ મળશે. આ વર્ષે મગફળીનું ઉત્‍પાદન પણ ઓછું થયું છે, તેથી તેમને સરકારને વિનંતી છે કે વહેલી તકે ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરવામાં આવે, જેથી ખેડૂતોને તેમના ખર્ચનું ઉગમ થાય અને થોડો નફો મળી રહે. અથવા તો માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને મગફળીના યોગ્‍ય ભાવ આપવામાં આવે.

ખેડૂત ભીલ ભાવેશભાઈએ જણાવ્‍યું કે ગત વર્ષે મગફળી-૬૬ નું વાવેતર કર્યું હતું અને તે સમયે ૧,૮૫૦ રૂપિયા મળ્‍યા હતા. પરંતુ આ વર્ષે તે જ મગફળીના ભાવ લગભગ ૯૪૬ રૂપિયા છે, જે અડધા કરતા પણ ઓછા છે. આટલા ઓછા ભાવથી ખેડૂતોને મગફળીમાં કરેલો ખર્ચ પણ પુરો થતો નથી. મહિના સુધી મહેનત કરવા છતાં, યોગ્‍ય ભાવ ન મળતા ખેડૂતોને નુકસાન થાય છે.

માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી વિશાલભાઈ પાંચાણીએ જણાવ્‍યું કે ચાલુ વર્ષે મગફળીનું વધુ પ્રમાણમાં વાવેતર થયું છે. આ ઉપરાંત, આ વર્ષે વરસાદ વહેલો આવવાના કારણે વાવણી પણ વહેલી થઈ હતી, જેના કારણે મગફળીની આવક પણ વહેલી શરૂ થઈ ગઈ છે. માર્કેટિંગ યાર્ડમાં મગફળીની આવક સતત નોંધાઈ રહી છે. આ ઉપરાંત, વરસાદ પણ થઈ રહ્યો છે, જેના કારણે મગફળીની ગુણવત્તા અને ક્‍વોલિટી સારી નથી. ખાસ કરીને ઓલા પ્રકારની મગફળીનું પ્રમાણ વધુ છે, જેને ડેમેજ મગફળી પણ કહી શકાય છે. સારા ક્‍વોલિટીવાળી મગફળીના ખેડૂત ભાઈઓને ભાવ ૧,૦૦૦ રૂપિયા થી ૧,૨૦૦ રૂપિયા સુધી મળી રહ્યા છે, જ્‍યારે ૩૨ નંબર, ૩૯ નંબરના ભાવ ૭૦૦ રૂપિયા થી ૯૫૦ રૂપિયા સુધી મળી રહ્યા છે.

(11:37 AM IST)