<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd September 2025

ગુજરાતના લેખકે વડાપ્રધાન મોદીજીના જીવન પર ડિજિટલ પુસ્‍તકઃ ‘કેમ છો' પ્રસિદ્ધ કર્યું

કેમ છો ? પુસ્‍તક પર આધારિત બે ભાગની આંતરરાષ્ટ્રીય ફિલ્‍મનું નિર્માણ આરીફ બી. કાલવા અને ડો. ઉત્તમ જાજુ દ્વારા કરવામાં આવી રહ્યું છે : મોદીજીના નેતૃત્‍વ, લ્લઢતા અને પરિવર્તનની ગાથાને દુનિયાભરમાં પહોંચાડવાની નેમ

સુરત : ગુજરાતના યુવા લેખક ડો. ઉત્તમ જાજુ અને સંપાદક શ્રી આરીફ બી. કાલવાએ વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના જીવન પર આધારિત એક વિશેષ પુસ્‍તક 'કેમ છો' લખ્‍યું છે. આ પુસ્‍તક વડાપ્રધાન મોદીના ૭૬મા જન્‍મદિવસ નિમિત્તે પ્રકાશિત કરવામાં આવ્‍યું છે. આ ડિજિટલ પુસ્‍તક એમેઝોન પર ૩૦મી એપ્રિલ, ૨૦૨૫ના રોજ લોન્‍ચ કરવામાં આવ્‍યું છે, જેની કિંમત ૨,૨૦૦ રૂપિયા છે.

આ પુસ્‍તક તેમના ૧૦ વર્ષના રિસર્ચ અને સઘન પરિશ્રમનું પરિણામ છે. આ પુસ્‍તકમાં વડાપ્રધાન મોદીજીના બાળપણથી લઈને વડાપ્રધાન બનવા સુધીની સફરનું વર્ણન કરવામાં આવ્‍યું છે. તેમાં તેમના જીવનના ઐતિહાસિક તથ્‍યો, કથાઓ અને સિદ્ધિઓનું સંકલન છે. આ પુસ્‍તક ભારતના રાજકારણથી પર રહીને માત્ર નેતૃત્‍વ, દ્રષ્ટિ અને ઉપલબ્‍ધિઓ પર ધ્‍યાન કેન્‍દ્રિત કરે છે.

આ પુસ્‍તકની વિશેષતા એ છે કે તે પરંપરાગત બ્‍લેક એન્‍ડ વ્‍હાઇટ અભિગમથી અલગ, એક કલરફૂલ ડિજિટલ પુસ્‍તક છે. આ પુસ્‍તકનું નિર્માણ આંતરરાષ્ટ્રીય વાયકાઓ, વિચારો અને વિદ્વાનોને ધ્‍યાનમાં રાખીને કરવામાં આવ્‍યું છે, જેથી તે વૈશ્વિક સ્‍તરે આકર્ષણનું કેન્‍દ્ર બને.

કેમ છો ? પુસ્‍તક પર આધારિત બે ભાગોની આંતરરાષ્ટ્રીય ફિલ્‍મનું નિર્માણ પણ શરૂ થઈ ગયું છે. આ ફિલ્‍મનું નિર્માણ આરીફ બી. કાલવા અને ડો. ઉત્તમ જાજુ દ્વારા કરવામાં આવશે. આ ફિલ્‍મ વડાપ્રધાન મોદીના નેતૃત્‍વ, લ્લઢતા અને પરિવર્તનની ગાથાને દુનિયાભરમાં પહોંચાડશે.

આ પુસ્‍તકને ઓહ વાઉ પ્રોડક્‍શન એન્‍ડ એન્‍ટરટેનમેન્‍ટ, સુરત અને મુંબઈ દ્વારા રજૂ કરવામાં આવ્‍યું છે.

આરીફ બી. કાલવા અને ડો. ઉત્તમ જાજુએ આ પુસ્‍તક દ્વારા વડાપ્રધાન શ્રી નરેન્‍દ્રભાઈ મોદીના ૭૬મા જન્‍મદિવસ નિમિત્તે શુભેચ્‍છા પાઠવી હોવાનું તેમણે એક યાદીમાં જણાવ્‍યું છે.

(2:58 PM IST)