<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 25th September 2025

વિરમગામ શહેરનાં વિકાસમાં કોઈ કસર બાકી નહીં રહે તેનું વચન આપું છું પરંતુ શહેરીજનોએ સંયમ અને એકતા બતાવવી પડશે: ધારાસભ્ય હાર્દિક પટેલ

વિરમગામ શહેરની શાન સમાન શહીદ બાગનું ૧.૨૪ કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરીને શહેરીજનો માટે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકીયા) વિરમગામ : વિરમગામ શહેરની શાન સમાન શહીદ બાગનું ૧.૨૪ કરોડના ખર્ચે પુનઃનિર્માણ કરીને શહેરીજનો માટે ધારાસભ્ય હાર્દિક પટેલના વરદ હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. ધારાસભ્ય હાર્દિક પટેલે કહ્યું કે ટાવર અને લાઇબ્રેરીના લોકાર્પણ બાદ શહીદ બાગ વિરમગામના વિકાસમાં મહત્વનું સ્થાન બનશે સાથે જે ઉમેર્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં વિરમગામ શહેરનાં વિકાસમાં કોઈ કસર બાકી નહીં રહે તેનું વચન આપું છું પરંતુ શહેરીજનોએ સંયમ અને એકતા બતાવવી પડશે. 

   ધારાસભ્ય હાર્દિક પટેલે વિસ્તૃતમાં જણાવ્યું હતું કે વિરમગામ શહેરમાં એક માત્ર આ બાગ ૧૯૫૬ માં બન્યો હતો ત્યારે તેનું નામ મહાત્મા ગાંધી બાગ હતો પરંતુ ગુજરાતને અલગ રાજ્ય બનાવવાની ચળવળમાં વિરમગામથી કૌશિક વ્યાસ નામના યુવાન શહીદ થયા હતા જેમની યાદમાં આ બાગનું નામ શહીદ બાગ કરવામાં આવ્યું હતું, આ શહીદ બાગ વિરમગામની ઓળખ તો છે જ પણ સાથે વિરમગામની શાન પણ છે. આજે શહીદ બાગમાં વધુ એક શહીદની યાદને જોડવામાં આવી છે, ૧૨ ફેબ્રુઆરી ૧૯૮૭ ના રોજ સિયાચીન ગ્લેશિયર યુદ્ધમાં  પાકિસ્તાન સામે લડતા વિરમગામના મૂળ વતની કેપ્ટન નિલેશભાઈ સોની શહીદ થયા હતા જેમનું આજે શહીદ બાગમાં સ્મારક બનાવવામાં આવ્યું છે. આ બંને શહીદોએ મહાન ગુજરાત અને મહાન ભારત માટે પોતાના બલિદાન આપ્યા છે જે વિરમગામ શહેરના લોકો માટે પ્રેરણારૂપ ઉદારહણ છે.
આજના પ્રસંગે નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન, ચીફ ઓફિસર સહિતના કોર્પોરેટર, શહેર ભાજપના હોદ્દેદારો, શહીદ પરિવારના સદસ્યો સહિત નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.


 

(10:03 PM IST)