<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th September 2025

અમદાવાદમાં એકલતાં દૂર કરી આપતી કંપની શરૂઃ કલાકના ૩૦૦ રૂપિયા

એક મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે, તમારી વાતો સાંભળે અને તમારો મિત્ર બને

અમદાવાદ તા.૨૬: આજના સમયમાં લોકો પાસે સુવિધાઓ તો ઘણી છે, પરંતુ સૌથી મોટી કમી છે સાચા સાથીની. સોશિયલ મીડિયામાં હજારો ફોલોવર્સ હોવા છતાં વાસ્‍તવિક જીવનમાં વાત કરવા કે ચા પીવા માટે એક મિત્ર પણ ન મળે, એ આજના યુવાનો અને વૃદ્ધો બંનેની હકીકત છે. આવી એકલતા દૂર કરવા હવે અમદાવાદમાં શરૂ થઈ છે એક કંપની  જ્‍યાં તમને મળે છે મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે અને તમારી વાતો ધ્‍યાનથી સાંભળે.

આજની દોડધામભરી જિંદગીમાં માણસ પાસે બધું છે  મોબાઇલ, સોશિયલ મીડિયા, નોકરી, પૈસા  પરંતુ સૌથી મોટી કમી છે તો સાથ અને સંવાદની. સોશિયલ મીડિયામાં હજારો-લાખો ફોલોવર્સ હોવા છતાં વાસ્‍તવિક જીવનમાં સાથે ચા પીવા કોઈ મિત્ર ન હોય, એ આજના યુવાનો અને વૃદ્ધો બંનેની હકીકત બની ગઈ છે. સોશિયલ મીડિયામાં ફોટા, વિડિયો અને સ્‍ટેટસ મૂકીને દુનિયાને પોતાની ખુશી બતાવતો માણસ હકીકતમાં અંદરથી ખુબ એકલો રહે છે, ખાસ કરીને આજની યુવા પેઢી અને વૃદ્ધો માટે આ એકલતા મોટું દુઃખ બની ગઈ છે.

આ જ એકલતાની ખાલી જગ્‍યા પૂરવા માટે અમદાવાદમાં શરૂ થઈ છે એક અનોખી કંપની જ્‍યાં તમને મળે છે એક મિત્ર, જે તમારી સાથે સમય પસાર કરે, તમારી વાતો સાંભળે અને તમારો મિત્ર બને. વિદેશમાં આવી કંપનીઓ પહેલેથી જ ચાલી રહી છે, પરંતુ હવે ગુજરાતમાં પણ આ નવી પહેલ શરૂ થતાં અનેક લોકોને એક મિત્ર મળ્‍યો છે, વૃદ્ધોને પોતાની સાથે સમય પસાર કરવા બાળકો મળ્‍યા છે. આ સેવા માત્ર મિત્રતા અને સંગાથ માટે છે, જેથી માણસને લાગણીસભર સહારો મળે અને તે જીવનમાં ફરીથી ખુશીઓ અનુભવી શકે છે.

ગુજરાતના અમદાવાદના રહેવાસી ઋષિ જાની, જેમણે એક મહિના પહેલા કંપની શરૂ કરી હતી, તેમણે જણાવ્‍યું કે તેમના મિત્ર સાથે બનેલી એક ઘટના બાદ લાગ્‍યું કે એવા અનેક લોકો છે જેમને ફક્‍ત એક માણસ જોઈએ છે, જે તેમની સાથે બેસીને તેમની વાતો સાંભળે અને સમય પસાર કરે. એમના રિસર્ચ અનુસાર એવા પણ લોકો છે જે સાવ એકલા છે. તેમને ઇચ્‍છા તો હોય છે ફિલ્‍મ જોવાની કે પછી ચા પીવાની કે બહાર ફરવાની, પરંતુ તેમની સાથે કોઇ હોતું નથી. તો બસ આવા લોકો માટે જ આ કંપની કામ કરે છે.

ઋષિ જાની તેમના મિત્રની સાથે બનેલી ઘટના જણાવતા કહે છે કે, મારો મિત્ર રાજ (નામ બદલાયું છે), તેના બ્રેકઅપ બાદ એટલો દુઃખમાં અને એકલો થઈ ગયો હતો કે તેને ખ્‍યાલ જ આવતો નથી કે તે જીવી રહ્યો છે કે નહીં. પરંતુ અમે તેને ખૂબ જ સાથ આપ્‍યો જેના કારણે તે આ પીડામાંથી બહાર આવી શક્‍યો. બસ અહીંથી જ મને વિચાર આવ્‍યો કે એવા અનેક લોકો છે જેમને પોતાની વાત કહેવી છે, પરંતુ કોઇ માણસ નથી. ત્‍યારે મેં શરૂઆત કરી એક કંપનીની, જેને નામ આપ્‍યું Hangout Company.

ઋષિ જાની જણાવે છે કે આ કંપની તે અને તેમનો એક મિત્ર મળીને ચલાવે છે. કંપનીની શરૂઆત હાલ અમણા જ કરી છે, જેથી અત્‍યારે તેમના મિત્ર અને તે પોતે લોકો સાથે જાય છે જે સાવ એકલા છે. કંપની દ્વારા એક કલાકના ફક્‍ત ૩૦૦ રૂપિયા જ રાખવામાં આવ્‍યા છે. એટલે જો કોઇ વ્‍યક્‍તિને ફિલ્‍મ જોવા જવું હોય અને તેમની સાથે કોઇ ના હોય તો તે આ કંપનીનો સોશિયલ મીડિયા અથવા તો ફોન દ્વારા સંપર્ક કરીને ૩૦૦ રૂપિયા આપીને મિત્ર બોલાવી શકે છે, જે તેમની સાથે ફિલ્‍મ જોવા જઈ શકે છે.

ઋષિ જાની ખાસ કહે છે કે, ‘‘અમે કોઇ ડેટિંગ કંપની નથી ખોલી. આ કંપની ફક્‍ત મિત્રો બનાવે છે. સાથે અમારી કંપનીની અમુક પોલિસી છે, જેમ કે છોકરા સાથે છોકરો જ જાય અને છોકરી સાથે છોકરી જાય, જેથી સેફટી પણ રહે.'' સાથે ખાસ વાત એ છે કે આ કંપની દ્વારા સિનિયર સિટિઝનને વધારે મહત્‍વ આપવામાં આવે છે, કારણ કે એવા અનેક વૃદ્ધો છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી હોતું. હાલ અત્‍યારે તેમની ટીમમાં કોઇ છોકરી ના હોવાના કારણે તેઓ ફક્‍ત યંગ જનરેશનમાં છોકરાની જ ઇન્‍ક્‍વાયરી લે છે.

રુસી જૈન વધુમાં જણાવે છે કે અત્‍યાર સુધી એક મહિનામાં તેઓ ઘણા વ્‍યક્‍તિઓને મળ્‍યા છે, જેમાં આજની જનરેશનના લોકો પણ છે અને સિનિયર સિટિઝન પણ છે. એવા સિનિયર સિટિઝન છે જેમની પાસે સમય પસાર કરવા કોઇ નથી. તેઓ અમને બોલાવે છે અને અમે તેમની સાથે રમત રમીએ છીએ જેથી તેમને ખુશી મળે છે.

આ કંપની માત્ર મિત્રતા અને એકલતામાં રહેતા લોકોને કંપની મળે તે જ ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે.(૩૮.૨)

 

(9:54 AM IST)