News of Friday, 26th September 2025
બાકરોલના હત્યા કેસમાં કોર્ટે મહત્ત્વનો ચુકાદો:12 આરોપીઓને 10 વર્ષની કેદની સજા ફટકારાઇ : 8 આરોપીઓને નિર્દોષ જાહેર
અથડામણમાં અફઝલ નામના યુવકને માથાના ભાગે પાઇપો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરીને હત્યા કરાઈ હતી : ત્રણથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી

આણંદ જિલ્લાના બાકરોલના ચકચારી હત્યા કેસમાં આણંદની પ્રિન્સિપાલ અને ડિસ્ટ્રિક્ટ જજની કોર્ટે મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. સાત વર્ષ પૂર્વે થયેલી આ ઘટનામાં કોર્ટે 12 આરોપીઓને 10 વર્ષની કેદની સજા ફટકારી છે, જ્યારે 8 આરોપીઓને નિર્દોષ જાહેર કરી છોડી મૂકવામાં આવ્યા છે.
આ બનાવ સાત વર્ષ પૂર્વે એટલે કે 13 જૂન 2018ના રોજ બાકરોલમાં બન્યો હતો. મલેક પઠાણ કોમના બે જૂથો વચ્ચે ગામના ઓટલા પર બેસવા જેવી નજીવી બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જે બાદ આ અથડામણે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. આ અથડામણમાં અફઝલ નામના યુવકને માથાના ભાગે પાઇપો અને લાકડીઓ વડે જીવલેણ હુમલો કરીને તેની હત્યા કરવામાં આવી હતી. આ ઉપરાંત, ત્રણથી વધુ લોકોને ગંભીર ઇજાઓ પણ પહોંચી હતી. ઘટના બાદ વલ્લભવિદ્યાનગર પોલીસે કુલ 20 આરોપીઓ વિરુદ્ધ હત્યા અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો.
આણંદની કોર્ટમાં સરકારી વકીલ દ્વારા કેસની સુનાવણી દરમિયાન 24 સાક્ષીઓ અને 26 મહત્ત્વના પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા. બંને પક્ષોની દલીલો અને પુરાવાઓને ધ્યાનમાં લઈને કોર્ટે ચુકાદો આપ્યો છે. 10 વર્ષની કેદની સજા: કોર્ટે હત્યાના પ્રયાસ (IPC કલમ ૩૦૭) હેઠળ 12 આરોપીઓને દોષિત ઠેરવી 10 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. નિર્દોષ જાહેર: જ્યારે 8 આરોપીઓને શંકાનો લાભ આપી નિર્દોષ ઠરાવી છોડી મૂકવામાં આવ્યા છે.
ઈબાદખાન પરબતખાન પઠાણ, મૂર્તુજાખાન યુસુબખાન પઠાણ, મકસુદખાન ઉર્ફે રાજા મહેતાબખાન પઠાણ, શબ્બીરખાન ઉર્ફે સાબીર અશરફખાન પઠાણ, અતાઉલ્લાખાન જફરુલ્લાખાન પઠાણ, વારીસખાન ઈબાદખાન પઠાણ, વસીમખાન સીરીજખાન પઠાણ, સલમાનખાન ઉર્ફે ભોલુ શબ્બીરખાન પઠાણ, સરફરાજખાન જફરુલ્લાખાન પઠાણ, ઈબ્રાહીમખાન હુસેનખાન પઠાણ, સોહીલખાન ઈનાયતખાન પઠાણ, અને મોસીનખાન ઈબ્રાહીમખાન પઠાણ.
(8:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
