<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th September 2025

અમદાવાદમાં સાવકા પિતાએ પુત્રની હત્યા કરી

બાકરોલમાં સબંધોને શર્મસાર કરતી એક અત્યંત કરૃણ ઘટના સામે આવીઃપોલીસે મૃતક અર્પિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનારની ધરપકડ કરી

અમદાવાદ,તા.૨૭

અમદાવાદ નજીક આવેલા કણભા વિસ્તારના બાકરોલમાં સબંધોને શર્મસાર કરતી એક અત્યંત કરૃણ ઘટના સામે આવી છે, જ્યાં એક સગાવેશી પિતાએ તેના ૧૪ વર્ષના માસૂમ પુત્રની ઘાતકી હત્યા કરી નાખી છે.

પુત્રની હત્યા લોખંડના સળિયાના ઘા મારીને કરવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી જવા પામી છે.

મળતી માહિતી મુજબ, કણભાના બાકરોલમાં રહેતા હીરાઓમ રાજપૂત નામના વ્યક્તિએ તેના સાવકા પુત્ર અર્પિત (ઉંમર વર્ષ ૧૪) પર લોખંડના સળિયા વડે હુમલો કરીને તેની હત્યા કરી નાખી. આ અમાનવીય કૃત્ય પાછળનું ચોક્કસ કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી, પરંતુ પ્રાથમિક અહેવાલો સૂચવે છે કે પારિવારિક ઝઘડો કે અન્ય કોઈ અંગત વૈમનસ્ય આ હત્યાનું કારણ હોઈ શકે છે. સ્થાનિકોના મતે, હીરાઓમ રાજપૂત અને મૃતક પુત્ર અર્પિત મૂળ ઉત્તર પ્રદેશ (યુપી)ના રહેવાસી છે અને અહીં બાકરોલમાં રહેતા હતા. પિતા-પુત્ર વચ્ચે અવારનવાર ઝઘડા થતા હોવાની વાત પણ ચર્ચામાં છે, જેણે આ ઘટનાને અંજામ આપવામાં ભૂમિકા ભજવી હોય. આ ગંભીર ગુનાની જાણ થતાં જ કણભા પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે મૃતક અર્પિતના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ હત્યા કરનાર સાવકા પિતા હીરાઓમ રાજપૂતની ધરપકડ કરી લીધી હતી.

પોલીસે હત્યારા પિતા સામે કાયદેસરની કાર્યવાહી શરૃ કરી છે અને હત્યા પાછળના મૂળ કારણો, ગુનામાં વપરાયેલ હથિયાર અને આરોપીના ઇરાદા અંગે ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. આ હત્યા કેસમાં પોલીસ વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે, જેમાં પારિવારિક પૃષ્ઠભૂમિ અને અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે. સગાવેશી પિતા દ્વારા માસૂમ પુત્રની હત્યાના આ કિસ્સાએ બાકરોલ વિસ્તારના લોકોમાં આઘાત અને ભયની લાગણી ફેલાવી દીધી છે. લોકો સવાલ કરી રહ્યા છે કે એક પિતા આટલો નિષ્ઠુર કેવી રીતે બની શકે? કણભા પોલીસની સઘન તપાસ બાદ જ આ સમગ્ર હત્યાકાંડના પડદા પાછળના રહસ્યો બહાર આવશે.

 

 

(9:51 PM IST)