<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 30th September 2025

ગવર્નમેન્ટ કોલોની પાસે બિલ્ડિંગની અગાસી ધરાશાયી થઈ

દરિયાખાન ઘુમ્મટ પાસે ગવર્નમેન્ટ કોલોની પાસેની ઘટનાઃવહીવટી તંત્ર દ્વારા હાલમાં અગાસી તૂટી પડવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે

અમદાવાદ,તા.૩૦

શહેરમાં દરિયાખાન ઘુમ્મટ પાસે આવેલી ગવર્નમેન્ટ કોલોની નજીક એક બિલ્ડિંગની અગાસી અચાનક ધરાશાયી થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં બે મહિલાઓ ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી છે. ગવર્નમેન્ટ કોલોનીની બાજુમાં આવેલી આ બિલ્ડિંગનો ઉપરનો ભાગ તૂટી પડ્યો હતો. ઘટના બનતાની સાથે જ વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. ફાયર વિભાગની ટીમે ઝડપથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને કાટમાળ નીચે ફસાયેલી બે ઈજાગ્રસ્ત મહિલાઓને બહાર કાઢી હતી. ઈજાગ્રસ્ત બંને મહિલાઓને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ મોકલી દેવામાં આવી હતી. સદનસીબે સમયસર ફાયર ટીમની કામગીરીને કારણે મોટી જાનહાનિ ટળી હતી.

વહીવટી તંત્ર દ્વારા હાલમાં અગાસી તૂટી પડવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ હાથ ધરવામાં આવી છે.

 સામાન્ય રીતે જૂના અને જર્જરિત મકાનોમાં આવી ઘટનાઓ બનતી હોય છે. પરંતુ આ કિસ્સામાં બિલ્ડિંગની સ્થિતિ અને બનાવ પાછળનું કારણ તપાસ બાદ જ જાણી શકાશે.

(10:41 PM IST)