News of Tuesday, 30th September 2025
GFL કંપનીમાં ફરી ગેસ લીકેજ, જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ
આસપાસના ગામોના લોકોમાં ભારે રોષઃગેસ લીક થવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં કંપનીના ગેટ પાસે ઉમટી પડ્યા હતા

પંચમહાલ,તા.૩૦
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા નજીક આવેલી ગુજરાત ફ્લોરો કેમિકલ કંપની (GFL) માં ફરી એકવાર ગેસ લીકેજ થવાની ગંભીર ઘટના સામે આવી છે. થોડા જ દિવસો પહેલા જ્યાં ગેસ લીકેજના કારણે ૨ શ્રમિકોના મોત થયા હતા અને ૧૧ જેટલા કામદારો ઘાયલ થયા હતા, ત્યાં ફરીથી આ પ્રકારની ઘટના બનતાં સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાયો છે. ગેસ લીકેજની જાણ થતાં જ આસપાસના વિસ્તાર, ખાસ કરીને રણજીતનગરમાં દોડધામ મચી ગઈ હતી. કંપની મેનેજમેન્ટની બેદરકારીને કારણે આ પુનરાવર્તિત ઘટનાએ ગંભીર સવાલો ઊભા કર્યા છે.
આ કંપનીમાં વારંવાર ગેસ લીકેજ થવાની ઘટનાઓ બનતાં આસપાસના ગામોના લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગેસ લીક થવાની જાણ થતાં જ મોટી સંખ્યામાં લોકોના ટોળાં કંપનીના ગેટ પાસે ઉમટી પડ્યા હતા. લોકોએ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષાને લઈને ચિંતા વ્યક્ત કરી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, અગાઉની દુર્ઘટનામાંથી પણ કંપની મેનેજમેન્ટે કોઈ બોધપાઠ લીધો નથી અને સુરક્ષાના માપદંડોનું સરેઆમ ઉલ્લંઘન કરવામાં આવી રહ્યું છે. સ્થાનિક વહીવટી તંત્ર તાત્કાલિક આ બાબતે કડક કાર્યવાહી કરે તેવી માંગણી કરવામાં આવી છે.
સતત બે મોટી ગેસ લીકેજની ઘટનાઓ બાદ GFL કંપનીની સુરક્ષા વ્યવસ્થા અને બેદરકારી ખુલ્લી પડી છે. સવાલ એ છે કે, અગાઉ દુર્ઘટના સર્જાઈ હોવા છતાં કંપનીને ફરીથી આવી જ બેદરકારી દાખવવાની છૂટ કોણે આપી? વહીવટી તંત્ર અને પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપીને ગેસ લીકેજના ચોક્કસ કારણની તપાસ કરવી જોઈએ. કંપનીના જવાબદાર અધિકારીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરીને સ્થાનિક રહેવાસીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવી આવશ્યક છે.
(10:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
