તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Wednesday, 1st October 2025
પાનમ ડેમમાં લીકેજ, યુદ્ધના ધોરણે મેન્ટેનન્સ શરૃ
પાનમ ડેમના એક ગેટમાં લીકેજ :આ લીકેજના કારણે પાણીનો પ્રવાહ વધી ન જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૃ કરવામાં આવી

પંચમહાલ,તા.૧
ગુજરાતમાં સિઝનનો સરેરાશ કુલ ૧૧૫ ટકા વરસાદ ખાબક્યો છે. જ્યારે ૧ ઓક્ટોબરની સ્થિતિએ રાજ્યના ૧૨૦ સંપૂર્ણ ભરાયા છે, જ્યારે ૧૫૨ ડેમ હાઈ ઍલર્ટ પર છે. જેમાં પંચમહાલ જિલ્લાની જીવાદોરી સમાન પાનમ ડેમના એક ગેટમાં લીકેજ થયું હોવાનું સામે આવ્યું છે, જેના પગલે ડેમ સત્તાવાળાઓ દ્વારા તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, પાનમ ડેમના બે નંબરના ગેટમાં ડાબી બાજુના રબર સીલમાં લીકેજ જણાયું હતું. આ લીકેજના કારણે પાણીનો પ્રવાહ વધી ન જાય તે માટે તંત્ર દ્વારા તાત્કાલિક ગેટની આગળના ભાગે સ્ટોપ લોક ગેટ ઈન્સ્ટોલ કરવાની કામગીરી શરૃ કરવામાં આવી છે.પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને યાંત્રિક વિભાગ વડોદરાની સંયુક્ત ટીમ દ્વારા આ મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી છે. છેલ્લા કેટલાક કલાકોથી મિકેનિકલ વિભાગની મેન્ટેનન્સ ટીમ સતત કામ કરી રહી છે. અધિકારીઓના જણાવ્યા મુજબ, બે નંબરના દરવાજાના લીકેજને બંધ કરવાની આ કામગીરી આશરે ૧૦ કલાકથી વધુ સમય સુધી ચાલે તેવી શક્યતા છે.
મેન્ટેનન્સની કામગીરીને ધ્યાનમાં રાખીને પાનમ ડેમમાં હાલમાં ૩૩૦૦ ક્યુસેક પાણીની આવક સામે ૪૨૦૦ ક્યુસેક પાણી પાનમ નદીમાં છોડવામાં આવી રહ્યું છે. પાણીનો પ્રવાહ વધારવામાં આવતા નદી કાંઠાના ગામોના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. જોકે, પાનમ વિભાગ દ્વારા લોકોને જાણ કરવામાં આવી છે કે, પાનમ ડેમ સુરક્ષિત છે અને કોઈપણ પ્રકારની ખોટી અફવાઓથી દૂર રહેવું.
પાનમ વિભાગના કાર્યપાલક ઈજનેર, સિંચાઈ યાંત્રિક વિભાગ-૧ વડોદરાના કાર્યપાલક ઈજનેર, અને નાયબ કાર્યપાલક ઈજનેર સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર હાજર રહીને સમગ્ર મેન્ટેનન્સની કામગીરીનું નિરીક્ષણ કરી રહ્યા છે.
(9:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
