News of Wednesday, 1st October 2025
અમદાવાદના બાપુનગરમાં મહિલા પોલીસકર્મીના ઘરમાં જ તાળું તૂટ્યું
ચોરોએ અનેક કિંમતી સામાનની કરી ચોરીઃચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને લૂંટને અંજામ આપ્યો હતો, આ ઘટના માત્ર ચોરીની નથી

અમદાવાદ,તા.૧
અમદાવાદ શહેરમાં ચોરીની ઘટનાઓ સતત વધી રહી છે, ત્યારે ચોરોની હિંમત એટલી વધી ગઈ છે કે તેઓ હવે પોલીસકર્મીઓના ઘરોને પણ નિશાન બનાવી રહ્યા છે. શહેરમાં બાપુનગર વિસ્તારમાં આવેલી એક મહિલા પોલીસકર્મીના ઘરમાં ચોરીની ઘટના સામે આવતાં શહેરીજનોની સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. જે લોકો કાયદો અને વ્યવસ્થા જાળવવાની જવાબદારી સંભાળે છે, તેમના ઘરમાં જ ચોરી થવી એ શહેરમાં વધી રહેલી ગુનાખોરીની ગંભીરતા દર્શાવે છે.
આ ચોરીની ઘટનામાં બુકાનીધારી ચોરોએ મહિલા પોલીસકર્મીના ઘરમાંથી લેપટોપ સહિત અન્ય કિંમતી સામાનની ચોરી કરી હતી. પોલીસ ફરિયાદ મુજબ, ચોરો કુલ રૃપિયા ૪૨,૦૦૦ ની મત્તાની ચોરી કરીને સહેલાઈથી પલાયન થઈ ગયા હતા. પોલીસકર્મી જ્યારે ફરજ પર હતા અથવા કોઈ અંગત કામ માટે બહાર ગયા હતા, તે દરમિયાન ચોરોએ બંધ ઘરને નિશાન બનાવ્યું હતું અને લૂંટને અંજામ આપ્યો હતો. આ ઘટના માત્ર ચોરીની નથી, પરંતુ પોલીસ વિભાગના મનોબળને તોડવાનો પણ એક પ્રયાસ છે.
ઘટનાની જાણ થતાં જ બાપુનગર પોલીસે તાત્કાલિક સ્થળ પર દોડી જઈને પંચનામું કર્યું હતું. પોલીસે અજાણ્યા ચોરો વિરુદ્ધ ફરિયાદ નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.
પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ ચેક કરવાની અને બાતમીદારોને સક્રિય કરવાની કવાયત શરૃ કરી છે, જેથી આરોપીઓને ઝડપી શકાય. પોલીસકર્મીના ઘરમાં જ ચોરીની ઘટના બનતાં.
પોલીસ માટે આ કેસને ઉકેલવો અને ચોરોને પકડવા પ્રતિષ્ઠાનો સવાલ બની ગયો છે. આ ઘટનાએ ફરી એકવાર શહેરીજનોને તેમની સુરક્ષા અંગે વિચારવા મજબૂર કર્યા છે.
(9:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
