<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 1st October 2025

અમદાવાદમાં ગરબામાંથી પાછા ફરતા યુવક-યુવતી ઉપર લુખ્ખાઓનો હુમલો

નારણપુરામાં મામાના ઘરમાં પણ ધૂસી ટોળાંની તોડફોડઃઘટનામાં સારવાર બાદ યુવકે પાંચ દિવસ પછી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લુખ્ખાગીરી આચરનાર આઠ-દશ શખ્સોના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે

અમદાવાદ,તા.૧

નવરાત્રીની ઘૂમ મચી છે ત્યારે ચોથા નોરતે શેલા ગામે ગરબામાંથી પાછા ફરતાં યુવક-યુવતી ઉપર લુખ્ખાઓએ હુમલો કર્યાની ઘટના બની છે. ઘાટલોડિયાના સત્તાધાર ચાર રસ્તા પાસે અકસ્માત થયો ન હોવા છતાં લુખ્ખાગીરી આચરી યુવતીનો ફોટો પાડી લઈને કારને અંકુર ચાર રસ્તા લઈ જઈ કારના કાચ તોડી નાખ્યા હતા. યુવક મદદ માટે નારણપુરામાં જ રહેતા મામાના ઘરે ભાગ્યો ત્યાં પણ આઠ-દસ લુખ્ખાના ટોળાંએ પીછો કર્યો હતો. સૂર્યકુટિર ફ્લેટમાં રહેતા મામાના ઘરમાં તેમજ સોસાયટીના સીસીટીવીમાં પણ તોડફોડ કરવામાં આવી હતી. ચોથા નોરતે બનેલી ઘટનામાં સારવાર બાદ યુવકે પાંચ દિવસ પછી યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં લુખ્ખાગીરી આચરનાર આઠ-દશ શખ્સોના ટોળાં સામે ફરિયાદ નોંધાવી છે.

નારણપુરા એ.ઈ.સી. નજીક મૂર્ધન્ય એપાર્ટમેન્ટમાં રહેતા કથન અજયભાઈ ભાવસાર (ઉ.વ. ૨૨) તેની ફિયાન્સી નંદીતા અને પિતરાઈ વેદાંત સાથે ગત તા. ૨૫ના રોજ શેલા ગામે કાર લઈને ગરબામાં ગયા હતા. રાત્રે અઢી વાગ્યાના અરસામાં પરત ફરતી વેળાએ સતાધાર ચાર રસ્તા પાસે ટ્રાફિકમાં કારને બ્રેક મારતાં એક એક્ટિવા ચાલકને અડકી ગયાનું કથનને જણાયું હતું. કારની નીચે ઉતરીન તપાસ કરતાં એક્ટિવાને કાર અડકી નહીં હોવા છતાં ટુ વ્હીલરચાલકે ગાળો આપવાનું શરૃ કર્યું હતું. લોકોએ બન્નેને છૂટા પાડ્યા હતા. આ સમયે એક્ટિવા ચાલકે કથનની ફિયાન્સીનો ફોટો મોબાઈલ ફોનમા પાડી લઈને કહ્યું હતું કે, તુ અમારી પાછળ કાર આવવા દે. કથન તેના એક્ટિવાની પાછળ કાર ચલાવતા અંકુર ચાર રસ્તા ઉપર પહોંચ્યો હતો. કાર રસ્તાની સાઈડમાં ઉભી રખાવી હતી ત્યાં ચારથી પાંચ માણસો આવી ગયા હતા. આ શખ્સોએ કારનો આગળના અને ખાલી સાઈડના કાચ તોડી નાંખ્યા હતા.   ફિયાન્સીનો વીડિયો, ફોટો લીધા હોવાથી ચિંતિત અને દબાણમાં રહેલા કથને તેના મામા મિલાપભાઈને ફોન કરીને લઈ જવા માટે બોલાવ્યા હતા. મામા મિલાપભાઈએ તેમના ઘરે આવી જવા કહ્યું હતું.

કથન કાર લઈને નારણપુરાના સૂર્યકુટિર ફ્લેટમાં રહેતા મામા મિલાપભાઈ ભાવસારના ઘરે જવા નીકળ્યો ત્યાં પણ આ શખ્સો પીછો કરતાં પાછળ આવ્યા હતા. સૂર્યકુટિર ફ્લેટ પહોંચીને બચવા માટે કથન, ફિયાન્સી અને પિતરાઈ ભાઈ દોડ્યા હતા. આ સમયે એક શખ્સે કારમાંથી ઉતરતા વાળ પકડી ખેંચીને કથનને પાઈપથી નાક અને આંખના ભાગે પાઈપ મારી હતી. બીજા આઠથી દસ શખ્સોએ લાકડી, પાઈપોથી માર મારવાનું શરૃ કર્યું હતું. આમ છતાં, કથન દોડીને બીજા માળે ભાગ્યો ત્યાં પણ પાછળ પડીને આ શખ્સો લાકડીઓથી માર મારતાં હતાં. આ સમયે મદદે દોડી આવેલા મામા મિલાપભાઈને પણ લાકડીઓ પાઈપોથી માર માર્યો હતો.

બૂમાબૂમ થતાં ભાગતાં પહેલાં લાકડીઓ, પાઈપોથી સજજ આઠથી દસ લોકોના ટોળાંએ મિલાપભાઈની સોસાયટીના ડીવીઆર અને ટીવી તોડી નાંખ્યા હતા. કથન અને તેના મામા મિલાપભાઈને માર મારવા ઉપરાંત ફિયાન્સી નંદિતાનો મોબાઈલ ફોન પણ ક્યાંક ગુમ થઈ ગયો હતો.

આ ગંભીર ઘટના અંગે યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં એક્ટિવા નંબરના આધારે પ્રતિક સતિષભાઈ ભરવાડ (રહે. વાડજ) ઉપરાંત ઉમેશ બીજલભાઈ ભરવાડ સહિતના અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો. તા. ૨૫ના રાતે બનેલી ઘટનામાં ઈજાગ્રસ્ત કથનની સારવાર બાદ ઉપર તબીયત બગડી હતી. નાકમાં ફ્રેક્ચર સહિતની ઈજા પામેલા કથન ભાવસારે પ્રતિક ભરવાડ, ઉમેશ ભરવાડ સહિત આઠથી દસ શખ્સો સામે ગુનો નોંધાવ્યો છે. યુનિવર્સિટી પોલીસે આરોપીઓને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી છે.

(9:09 PM IST)