<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 2nd October 2025

૩૦ કલાકની જહેમત બાદ પરિસ્થિતિ નિયંત્રણમાં આવી

પાનમ ડેમમાં લિકેજની ઘટનાઃપરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાનમ વિભાગ દ્વારા લોકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી

પંચમહાલ,તા.૨

પંચમહાલ જિલ્લાના જીવાદોરી સમાન પાનમ ડેમના એક દરવાજામાં લિકેજ થવાની ઘટના સામે આવી હતી. જોકે, પાનમ યોજના અને સિંચાઈ વિભાગની ટીમોએ સતત ૩૦ કલાકથી વધુની મહેનત કરીને પરિસ્થિતિને સફળતાપૂર્વક નિયંત્રણમાં લીધી છે.પ્રાપ્ત માહિતી અનુસાર, પાનમ ડેમના નંબર-૨ના દરવાજાની ડાબી બાજુએ રબર સીલમાં લિકેજ થયું હતું. ડેમના દરવાજામાં લિકેજની જાણ થતાં આસપાસના કાંઠા વિસ્તારના લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, પાનમ વિભાગ દ્વારા લોકોને ગભરાયા વગર અફવાઓથી દૂર રહેવા માટે અપીલ કરવામાં આવી હતી.

આ લિકેજને તાત્કાલિક બંધ કરવા માટે પાનમ યોજના વર્તુળ વિભાગ પંચમહાલ અને સિંચાઈ યાંત્રિક વિભાગ-૧ વડોદરાની વિશેષ ટીમ કામે લાગી હતી. પાનમ અને મિકેનિકલ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ૩૦ કલાક ઉપરાંતના સમય સુધી પાનમ ડેમ પર ખડેપગે રહ્યા હતા.

અંતે, અથાગ પ્રયત્નો બાદ ડેમના નંબર-૨ના દરવાજામાં આગળના ભાગે સ્ટોપ લોક ગેટ (Stop Lock Gate) ઇન્સ્ટોલ કરીને લિકેજ થતાં પાણીને સફળતાપૂર્વક બંધ કરવામાં આવ્યું હતું.

પાનમ વર્તુળ વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, લિકેજને હાલ પૂરતું બંધ કરી દેવામાં આવ્યું છે અને થોડા સમય બાદ જૂના દરવાજાના સ્થાને નવો ગેટ બદલવામાં આવશે. વિભાગની સમયસરની કામગીરી અને સતર્કતાને કારણે મોટી અનિચ્છનીય ઘટના ટળી છે.

 

 

(10:16 PM IST)