<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું

આજે શક્તિ વાવાઝોડું ગતિ કરશેઃ આવતીકાલે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્નઃ ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડે તેવી શકયતા

અમદાવાદ: અરબ સાગરમાં સર્જાયેલું ચક્રવાતી તોફાન ‘શક્તિ’ વધુ તીવ્ર બન્યું છે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આજે શક્તિ વાવાઝોડું ગતિ કરશે. આવતીકાલે ગુજરાત તરફ શક્તિ વાવાઝોડું યુ-ટર્ન લેશે. ગુજરાત તરફ ફંટાયા બાદ વાવાઝોડું ધીમું પડવાની શક્યતા છે. આગામી 5 દિવસ રાજ્યમાં ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ કેટલાક ભાગોમાં હળવા ઝાપટા પડી શકે છે. અરબ સાગરમાં સર્જાયેલ “શક્તિ” વાવાઝોડું છેલ્લા ૬ કલાકમાં ધીમે ધીમે ૧૫ કિમી/કલાકની ઝડપે ઓમાનના દરિયાકિનારા તરફ જઈ રહ્યું છે અને ૪થી ઓક્ટોબરની રાત્રે તે ઓમાનના એક વિસ્તારથી આશરે ૩૨૦ કિલોમીટર દૂર હતું.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન ‘શક્તિ’ પશ્ચિમ-દક્ષિણપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે અને આજે, ૫મી ઓક્ટોબરની સાંજ સુધીમાં, તે ઉત્તર-પશ્ચિમ અને તેને અડીને આવેલા પશ્ચિમ-મધ્ય અરબી સમુદ્ર સુધી પહોંચશે. ત્યારબાદ, તે યુ-ટર્ન (Recurve) લેશે અને ૬ઠ્ઠી ઓક્ટોબર, ૨૦૨૫ના સવારથી લગભગ પૂર્વ દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે નબળું પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે, ચાલુ ચોમાસાની સિઝનનું ભારતીય ઉપમહાદ્વીપનું આ પ્રથમ વાવાઝોડું છે, જેને શ્રીલંકા દ્વારા ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. જે ભારતીય કિનારાઓથી દૂર જશે, પરંતુ ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિમાં વધારો થતાં માછીમારો અને દરિયાઈ ગતિવિધિઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(10:51 AM IST)