<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th October 2025

વલસાડના ઊંટડીમાં બંધ મકાનમાં તાંત્રિક વિધિ: ખજાનો શોધવાનો પ્રયાસ: સરપંચે અટકાવ્યો

ઘરની અંદર 4 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદીને નારિયેળ મૂકીને તાંત્રિક ક્રિયા :બલીના આશયથી તાંત્રિક વિધિ અટકાવી :તાંત્રિકને ભગાડી કાયદેસર કાર્યવાહીની તજવીજ

વલસાડ તાલુકાના ઊંટડી ગામમાં અંધશ્રદ્ધાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક બંધ મકાનમાં ખજાનો હોવાની માન્યતાને લઈને ઘરમાલિકના કુટુંબીજનો તાંત્રિક વિધિ કરી રહ્યા હતા. આ વિધિમાં ઘરની અંદર 4 ફૂટથી વધુ ઊંડો ખાડો ખોદીને નારિયેળ મૂકીને તાંત્રિક ક્રિયા કરવામાં આવી રહી હતી. ગ્રામજનોના આક્ષેપ પ્રમાણે, આ વિધિ છેલ્લા બે-ત્રણ દિવસથી ચાલી રહી હતી 

ગતરોજ બનેલી આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ મામલો પ્રકાશમાં આવ્યો હતો. સ્થાનિક આદિવાસીઓમાં આને લઈને ભયનો માહોલ વ્યાપી ગયો છે. ઇન્ચાર્જ સરપંચ અને ડેપ્યુટી સરપંચ સહિત સ્થાનિક લોકો તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા અને વિધિને અટકાવી દીધી હતી. તાંત્રિકને પણ ત્યાંથી ભગાડી મુકવામાં આવ્યો છે. 

  સરપંચે જણાવ્યું કે, "આ ઘટના ગઈ કાલની છે. અમે સ્થળ પર પહોંચીને તમામ કાર્યવાહી અટકાવી અને તાંત્રિકને ભગાડ્યો હતો. ઘરમાલિકના કુટુંબીજનો દ્વારા આ વિધિ કરવામાં આવી રહી હતી. અમને શંકા છે કે આમાં કોઈ બલી આપવાનો ઇરાદો પણ હોઈ શકે છે." તેમણે વધુમાં કહ્યું કે, સમગ્ર મામલાને લઈને કાયદેસરની કાર્યવાહી કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

ઊંટડી ગામમાં અંધશ્રદ્ધાનો આ કિસ્સો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સ્થાનિકોનું કહેવું છે કે આવી ઘટનાઓને કારણે ગામમાં અશાંતિનું વાતાવરણ ઊભું થાય છે. અધિકારીઓને આવી અંધશ્રદ્ધા સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી રહી છે.

(7:35 PM IST)