<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

પાદરાના કોટણા પાસે કાળનો કોળિયો: કોઝવે પરથી બાઈક તણાતા માતા-પિતા બચ્યા, બે માસૂમ પુત્રો નદીના પ્રવાહમાં તણાઈ ગયા: ભારે અરેરાટી

વડોદરા: પાદરા તાલુકાના કોટણા ગામે ઢાઢર-વિશ્વામિત્રી નદીના કોઝવે પરથી પસાર થતી વખતે એક હૃદયદ્રાવક દુર્ઘટના સર્જાઈ હતી. પાણીના તેજ પ્રવાહમાં બાઈક સ્લીપ થઈ જતાં પતિ-પત્ની અને બે માસૂમ બાળકો નદીમાં તણાયા હતા. સ્થાનિકોની મદદથી પતિ-પત્નીનો આબાદ બચાવ થયો હતો, પરંતુ તેમના પાંચ અને ત્રણ વર્ષના બે ફૂલ જેવા બાળકો પાણીમાં ગરકાવ થઈ જતાં લાપતા બન્યા છે. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને તંત્ર દ્વારા બાળકોની સઘન શોધખોળ હાથ ધરવામાં આવી છે.

 

મળતી વિગતો અનુસાર, કોટણા ગામના રહેવાસી હિતેશ પઢીયાર રવિવારે પોતાની પત્ની વૈશાલી અને બે પુત્રો, પાંચ વર્ષીય દેવેન્દ્ર અને ત્રણ વર્ષીય સોહમ સાથે વાઘોડિયા તાલુકાના અલ્વા ગામે આવેલા તેમના સાસરેથી પરત ફરી રહ્યા હતા. સાંજના સમયે તેઓ કોટણા ગામ નજીક ઢાઢર નદી પર આવેલા કોઝવે પરથી પસાર થઈ રહ્યા હતા. ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે કોઝવે પરથી પાણીનો જોખમી પ્રવાહ વહી રહ્યો હતો.

 

આ દરમિયાન, અચાનક તેમની બાઈકનું સંતુલન ખોરવાયું અને બાઈક સ્લીપ થઈ ગઈ હતી. પલકવારમાં જ ચારેય જણા બાઈક સાથે નદીના પાણીમાં તાણવા લાગેલ. આસપાસના લોકોએ આ દ્રશ્ય જોતા જ બૂમાબૂમ કરી મૂકી અને તાત્કાલિક બચાવ માટે દોડી આવ્યા હતા. સ્થાનિક તરવૈયાઓએ જીવના જોખમે નદીમાં ઝંપલાવીને હિતેશભાઈ અને તેમના પત્ની વૈશાલીને સહીસલામત બહાર કાઢ્યા હતા.

જોકે, પાણીનો પ્રવાહ એટલો તેજ હતો કે તેમના બંને માસૂમ બાળકો દેવેન્દ્ર અને સોહમ જોતજોતામાં તેમની નજર સામે જ તણાઈને ઓઝલ થઈ ગયા હતા. પોતાના કાળજાના કટકા ગુમ થતાં માતા-પિતાના આક્રંદથી નદી કિનારાનું વાતાવરણ અત્યંત ગમગીન બની ગયું હતું.

 

ઘટનાની જાણ થતાં જ વડુ પોલીસ અને પાદરા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક તરવૈયાઓની મદદથી મોડી રાત સુધી બાળકોની શોધખોળ ચલાવવામાં આવી હતી. જોકે, અંધારું અને ઢાઢર નદીમાં મગરોનો ભય હોવાના કારણે બચાવ કામગીરીમાં ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. 

 

આજે સવારથી ફરી એકવાર એનડીઆરએફ અને ફાયર બ્રિગેડની ટીમોએ અત્યાધુનિક સાધનો સાથે બંને બાળકોને શોધવા માટે અભિયાન તેજ કર્યું છે. હાલ સમગ્ર પરિવાર અને ગામ લોકો બાળકો હેમખેમ મળી આવે તે માટે પ્રાર્થના કરી રહ્યા છે.

(9:57 AM IST)