<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

મહેસૂલ વિભાગમાં બિનખેતી વસૂલાતની કામગીરીને લઈને ફરી એકવાર ચર્ચા શરૃ થઈ

આ કામગીરી તલાટીઓને પરત સોંપવાની હિલચાલઃતલાટીઓને ફરીથી વસૂલાત પ્રક્રિયામાં જોડવાની તૈયારી શરૃ કરી છે આ નિર્ણયથી તલાટીઓમાં પણ અસ્પષ્ટતા ફેલાઈ છે

ગાંધીનગર, તા.૬

રાજ્યના મહેસૂલ વિભાગમાં બિનખેતી વસૂલાતની કામગીરીને લઈને ફરી એકવાર ચર્ચા શરૃ થઈ છે. વિભાગે તાજેતરમાં જ આ કામગીરી તલાટીઓને પરત સોંપવાની હિલચાલ હાથ ધરતા, તંત્ર અને અરજદારો બંનેમાં અસંતોષ તથા ગેરસમજની સ્થિતિ સર્જાઈ છે. હાલ સુધી બિનખેતી વસૂલાત સંબંધિત તમામ કાર્યવાહી સિટી સર્વે કચેરી દ્વારા હાથ ધરાતી હતી. આ વ્યવસ્થા ૨૦૨૩માં સેટલમેન્ટ કમિશનર અને જમીન દફતર નિયામક દ્વારા ૧૧ પત્રો મારફતે અમલમાં મુકાઈ હતી, જેના અંતર્ગત પંચાયત અને મહેસૂલી તલાટીઓ પાસેથી રેકર્ડ સિટી સર્વે કચેરીએ લઈ લેવામાં આવ્યો હતો. આથી નાગરિકોને એક જ સ્થળે પ્રોપર્ટી કાર્ડ તથા બિનખેતી વસૂલાત સંબંધિત સેવાઓ ઉપલબ્ધ થતી હતી.

પરંતુ તાજેતરમાં તા. ૬ સપ્ટેમ્બર ૨૦૨૫ના પત્ર મારફતે વિભાગે તલાટીઓને ફરીથી વસૂલાત પ્રક્રિયામાં જોડવાની તૈયારી શરૃ કરી છે. આ નિર્ણયથી તલાટીઓમાં પણ અસ્પષ્ટતા ફેલાઈ છે.

તેમના જણાવ્યા મુજબ, કામગીરી વારંવાર બદલાતી હોવાથી પ્રશાસકીય ગૂંચવણ વધે છે અને નાગરિકો માટે પ્રક્રિયા વધુ કઠિન બને છે.

તલાટીઓના એક પ્રતિનિધિએ જણાવ્યું હતું કે, "હાલની વ્યવસ્થામાં નાગરિકોને એક જ કચેરીમાં પ્રોપર્ટી કાર્ડ તેમજ બિનખેતી વસૂલાતની તમામ પ્રક્રિયા સરળતાથી પૂરી થતી હતી. હવે જો વસૂલાત તલાટીઓ પાસેથી લેવાશે તો નાગરિકોને સિટી સર્વે અને પંચાયત બંને કચેરીના ચક્કર કાપવા પડશે."

અધિકારીઓના સ્તરે પણ આ અંગે સ્પષ્ટ માર્ગદર્શન ન મળતાં ફીલ્ડ સ્તરે ગેરસમજ અને વિરોધાભાસી સ્થિતિ જોવા મળી રહી છે. કયા રેકર્ડ કયા વિભાગ પાસે રહેશે અને વસૂલાતના હિસાબ માટે કોને સત્તા આપવામાં આવશે તે મુદ્દે સ્પષ્ટતા ન હોવાથી, નવી વ્યવસ્થા અમલમાં આવે તે પહેલાં સંકલન જરૃરી બન્યું છે.

સિટી સર્વે કચેરીના સ્ત્રોતોના જણાવ્યા મુજબ, હાલ મેઇન્ટેનન્સ સર્વેયર બિનખેતી વસૂલાતની કામગીરી સંભાળી રહ્યા છે. જો આ કામગીરી તલાટીઓને પરત આપવામાં આવશે તો દસ્તાવેજી રેકર્ડની અછત તલાટીઓ માટે મોટો પડકાર બની શકે છે. તલાટીઓએ સ્પષ્ટ જણાવ્યું છે કે, "અમારી પાસે સિટી સર્વેનો મૂળ રેકર્ડ ન હોવાથી વસૂલાતની ગણતરી તથા હિસાબ રાખવામાં મુશ્કેલી ઊભી થશે."

ઉલ્લેખનીય છે કે, છેલ્લા બે વર્ષમાં બિનખેતી વસૂલાતની વ્યવસ્થામાં આ બીજી મોટી બદલી છે. પહેલી વખત આ કામગીરી તલાટીઓ પાસેથી સિટી સર્વે કચેરીને સોંપાઈ હતી, અને હવે ફરીથી તેને પાછી આપવાની પ્રક્રિયા શરૃ થતી જણાઈ રહી છે.

 

(10:53 PM IST)