<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th October 2025

અમદાવાદમાં વિધવા મહિલાને ડરાવી તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા પડાવ્યા :બે લોકો વિરુદ્ધ ફરિયાદ

તમારી પર કોઈએ મેલી વિદ્યા કરી છે અને થોડા સમયમાં તુ પણ મરી જઈશ. એનાથી બચવા માટે તાંત્રિક વિદ્યા કરવી પડશે. જેનો ખર્ચ 1.73 લાખ જણાવી વિધિ નહી કરે તો રૂક્સાનાનું મોત થઈ જશે તેમ કહી ડરાવી

અમદાવાદમાં વિધવા મહિલાને ડરાવીને તાંત્રિક વિધિના નામે લાખો રૂપિયા પડાવી લેવામાં આવ્યા છે.

અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં રહેતી 41 વર્ષીય રૂક્સાના (નામ બદલેલ છે) આ પ્રકારની ઠગાઈનો ભોગ બની છે, તેનો પતિ લાકડાના ફર્નિચરના કોન્ટ્રાક્ટર તરીકે ધંધો કરતો હતો અને વર્ષ 2024માં તેમનું અને દિકરાનું મોત થયુ હતું. જેનાં કારણે તે એકલવાયુ જીવન વિતાવતી હતી. ફેબ્રુઆરી 2025માં રૂક્સાનાને સોશિયલ મીડિયા પર તાંત્રિક જોવા મળ્યો હતો. મુસ્લિમ તાંત્રિક શીફલી નામે બાબા ગુરૂ પ્રતાપ શાહની ચેનલ પરથી મોબાઈલ નંબર લીધો હતો. 

જેથી તેણે પતિ અને દિકરા બાબતે વાત કરવા માટે તે તાંત્રિકના નંબર પર ફોન કર્યો હતો, જે અધોરીએ રૂક્સાનાને ફોન પર જણાવ્યું કે કોઈએ તારા ઘરમાં તાંત્રિક વિદ્યા કરી છે, જેની વિધિ કરવાના નામે પહેલા 10 હજાર રૂપિયા માંગ્યા હતા. રૂક્સાનાએ 10 હજાર ઓનલાઈન મોકલતા રામ પ્રતાપ ભાર્ગવ સન ઓફ ધનરાજ લખાઈને આવતુ હતુ. જે બાદ ટુકડે ટુકડે અધોરીએ મહિલા પાસેથી રૂપિયા લેવાનું ચાલુ રાખ્યું હતું.

થોડા સમય બાદ અધોરીએ રૂક્સાનાને જણાવ્યું હતું કે તમારા પર કોઈએ અધોરી વિદ્યા કરી છે, જેના માટે મહિલા તાંત્રિક ગુરૂ માતાની જરૂર પડશે, બાદમાં મહિલાને મોબાઈલ નંબર મોકલતા તેણે તે નંબર પર વાત કરતા તે મહિલા તાંત્રિકે પોતાનું નામ વિજેન્દ્રા દેવી જણાવ્યું હતું. જે મહિલાએ રૂક્સાનાને ધમકી આપી હતી કે તમારી પર કોઈએ મેલી વિદ્યા કરી છે અને થોડા સમયમાં તુ પણ મરી જઈશ. એનાથી બચવા તારા માટે તાંત્રિક વિદ્યા કરવી પડશે. જેનો ખર્ચ 1.73 લાખ જણાવી વિધિ નહી કરે તો રૂક્સાનાનું મોત થઈ જશે તેમ કહી ડરાવી હતી.

રૂક્સાનાએ મહિલા તાંત્રિકના કીધા પ્રમાણે તેને આંગડિયા થકી રૂપિયા મોકલ્યા હતા, જે બાદ પણ રૂક્સાનાના પર વધારે મેલી વિદ્યા કરી છે તેમ જણાવી વધુ વિધિએ કરાવવાનુ કહીને તાંત્રિક વિધિનો સામાન મંગાવ્યો હતો. જે સામાન તેણે કુરિયર મારફતે મોકલાવ્યો હતો. જોકે રૂક્સાનાનુ કોઈ પણ કામ ન થતા તેણે અધોરીને ફોન કરતા તેણે તમારા કામમાં મોટી તકલીફ છે, જેથી મહારાષ્ટ્રના નાસીક ખાતે વિધિ કરવી પડશે અને ત્યાં એક માણસની બલી આપવી પડશે તેમ જણાવ્યું હતું. 

રૂક્સાના પાસે બલી આપવા માટે માણસ ન હોવાનું તેણે અધોરીને જણાવતા તેણે બલી ન આપવી હોય તો 4 તાંત્રિક વિધિઓ કરવી પડશે તેમ જણાવી 9.20 લાખ રુપિયા માંગતા મહિલાએ વ્યાજે રૂપિયા લઈ તેમજ પતિના બચના રૂપિયા ભેગા કરી અધોરીને 9.20 લાખ રૂપિયા આંગડિયા થકી મોકલ્યા હતા. જે બાદ અધોરીએ તમારુ કામ હુ અને મારી બેન ગુરૂ માતા વિજેન્દ્રા કરીએ છીએ અને વિજેન્દ્રા હાલ કબ્રસ્તાનમાં કાળા નાગને માટલીમાં મુકી વિધિ કરવા જાય છે અને તારા પતિ અને દિકરાની આત્માને બોલાવવા પડશે જેથી 3.15 લાખ વધુ આપવા પડશે, નહીતર તારો વિનાશ થઈ જશે તેમ કહેતા મહિલાએ વધુ રૂપિયા અધોરીને મોકલ્યા હતા. 

આ રીતે ટુકડે ટુકડે રૂક્સાના પાસેથી 14 લાખ 18 હજારથી વધુ રૂપિયા મેળવીની છેતરપીંડી આચરી હતી. અંતે તેણે પોતાના ભાઈને આ અંગે જાણ કરતા વેજલપુર પોલીસ સ્ટેશનમાં રામ પ્રતાપ ભાર્ગવ અને ગુરૂમાતા ઉર્ફે વિજેન્દ્ર દેવી સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી બન્ને આરોપીઓની ધરપકડ માટે ટીમો કામે લગાડી છે.

(11:12 PM IST)