<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 7th October 2025

૮૦૦ રૂપિયાની ટિકિટ ૨૦ હજારમાં વેચાતી હોવાની ફરિયાદ!

૨૦ મિનિટમાં જ ૧૮૦ પરમિટની બુકિંગ પૂર્ણ : ગાંધીનગર અને સાયબરક્રાઈમ યુનિટ અને વન વિભાગને રજુઆતઃ ડમી નામ-આધાર કાર્ડ વડે સફારી પરમીટોના બુકિંગઃ બેફામ કાળાબજાર કરનારા સામે પગલાની માંગ

અમદાવાદ, તા.૭: હોટેલ એસોસિએશન દ્વારા ફરિયાદમાં ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્‍યો છે કે, જેમાં જણાવ્‍યું હતું કે તાજેતરમાં ૭ ઓક્‍ટોબર, ૨૦૨૫ થી અભયારણ્‍ય પ્રવાસીઓ માટે ખુલ્લું મુકાયું છે અને તેની ઓનલાઈન પરમિટ પણ ખુલ્લી મુકાઈ છે. ખાસ કરીને ૨૬ ડિસેમ્‍બર, ૨૦૨૫ થી ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ એટલે કે નાતાલ અને નવા વર્ષના ગાળાની તમામ પરમિટો અત્‍યારથી જ ફૂલ થઈ ગઈ છે.

એસોસિએશનના જણાવ્‍યા મુજબ, ૨૬ ડિસેમ્‍બરની કુલ ૧૮૦ ઓનલાઈન પરમિટો વિન્‍ડો ઓપન થયાના માત્ર ૨૦ જ મિનિટની અંદર ઓનલાઈન બુક થઈ ગઈ હતી, જે સામાન્‍ય રીતે શકય નથી. એવું જણાઈ રહ્યું છે કે આ તમામ પરમિટો કોઈ એક જ વ્‍યક્‍તિ અથવા જૂથ દ્વારા સિસ્‍ટમનો ઉપયોગ કરીને બુક કરવામાં આવી છે. આ ઉપરાંત, ૨૭ ડિસેમ્‍બરથી ૩૧ ડિસેમ્‍બર, ૨૦૨૫ સુધીની પરમિટો પણ શંકાસ્‍પદ રીતે રાત્રિના સમયે બુક થયેલી જોવા મળી છે.

ફરિયાદમાં વધુમાં જણાવાયું છે કે, સામાન્‍ય રીતે રૂ. ૮૦૦ થી રૂ. ૧,૦૦૦ ની કિંમતની આ સિંહ દર્શન પરમિટોને હવે કાળા બજારમાં રૂ. ૨૦,૦૦૦ સુધીની ઊંચી કિંમતે પ્રવાસીઓને વેચવામાં આવી રહી છે. જેને કારણે સાસણમાં આવતા પ્રવાસીઓ આર્થિક રીતે લૂંટાઈ રહ્યા છે.

સાસણ ગીર હોટેલ એસોસિએશનના પ્રમુખે ડેપ્‍યુટી કમિશનર ઓફ પોલીસ, સાયબર ક્રાઇમને વિનંતી કરી છે કે આ બાબતે ફોરેસ્‍ટ ડિપાર્ટમેન્‍ટનો અભિપ્રાય લઈને તાત્‍કાલિક પૂર્ણ તપાસ કરવામાં આવે અને પ્રવાસીઓ લૂંટાય નહીં તેવા પગલાં લેવામાં આવે. 

(4:10 PM IST)