<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

દિવાળીની ઉજવણી કરી વિદાય લેવાના મૂડમાં મેઘરાજાઃ રાજ્‍યના ૪૬ તાલુકાઓમાં ઝરમર થી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ

રાજ્‍યમાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૧૮% નોંધાયોઃ ઉકાઇ ડેમની જળસપાટી ૩૪૫ ફૂટે પહોંચીઃ મધુવન ડેમના બે દરવાજા ખુલ્‍લા

(જીતેન્‍દ્ર રૂપારેલિયા)વાપીઃ આસો માસના બીજા પખવાડિયામાં પણ મેઘરાજા હજુ રાજ્‍યના અનેક વિસ્‍તારોમાં વરસતા ઝરમર થી ૩.૫ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.

આ સાથે રાજ્‍યમાં સીઝનનો સરેરાશ વરસાદ ૧૧૮.૧૧% નોંધાયો છે, જેમાં આપણે ઝોન અનુસાર જોઈએ તો કચ્‍છ પંથકમાં સૌથી વધુ ૧૪૮.૧૪% , ઉત્તર ગુજરાત ઝોનમાં ૧૨૧.૫૧%, પૂર્વ અને મધ્‍ય ગુજરાતમાં ઝોનમાં ૧૧૭.૦૯%, સૌરાષ્ટ્ર ઝોનમાં ૧૦૮.૫૯%, અને દક્ષિણ ગુજરાત ઝોનમાં ૧૨૩.૨૬%, સરેરાશ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાતની જીવાદોરી સમાન ઉકાઇ ડેમની જળસપાટી આજે સવારે ૮ કલાકે સતત વધીને ૩૪૫ ફૂટે પહોંચી છે ડેમમાં ૨૧૯૧૬ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલું જ એટલે કે ૨૧૯૧૬ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, અત્રે ઉલ્‍લેખનીય છે કે હાલની તારીખ અનુસાર ડેમની રૂલ લેવલ જળસપાટી પણ ૩૪૫ ફૂટ જ છે. આ ઉપરાંત રાજ્‍ય ના છેવાડા ના દમણગંગા નદીના મધુવન ડેમની જળસપાટી આજે સવારે ૯ કલાકે ૭૯.૮૬ મીટરે પહોંચી છે ડેમમાં ૫૩૧૫ ક્‍યુસેક પાણીના ઈન્‍ફલો સામે એટલું જ એટલે કે ૫૩૧૫ ક્‍યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ડેમના બે દરવાજા ૦.૪૦ મીટર ખુલ્‍લા રાખવાની તંત્રને ફરજ પડી છે.

જ્‍યારે છેલ્‍લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદના મુખ્‍યત્‍વે આંકડાને જોઈએ તો વલસાડ ૩૭ મીમી, ગણદેવી ૩૧ મીમી, ચીખલી ૨૯ મીમી, ખેરગામ ૨૫ મીમી, ઉમરગામ ૨૦ મીમી, નવસારી ૧૯ મીમી,દેવગઢબારિયા અને ગરબાડા ૧૮ મીમી, વરસાદ નોંધાયો છે.

જ્‍યારે વાપી ૧૭ મીમી, જલાલપોર ૧૬ મીમી, ધરમપુર ૧૫ મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત રાજ્‍યના ૩૪ તાલુકાઓમાં ૧ થી લઈને ૧૪ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે, હવામાન નિષ્‍ણાતોના માનવા અનુસાર મેઘરાજા હજુ પણ મહેર વરસાવશે. 

(10:21 AM IST)