<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th October 2025

‘‘વિસાવદરવાળી'' કરવાના મેસેજ બાદ રમણભાઈ વોરાનો પલટવારઃ ૨૦૨૨ થી મને બદનામ કરવાના પ્રયાસો થાય છે

ભાજપનો કાર્યકર સરકાર વિરૂદ્ધ લખે તેની તપાસ થવી જોઇએ તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઇ જાય

આ મેસેજ બીજા મોબાઇલ નંબરમાંથી આવેલો હોય મેં એ ફોરવર્ડ કરી સુચના લખેલી હતી કે આવું ન લખો, પરંતુ મારો એ મેસેજ કાપી માત્ર આટલી જ ચેટ વાયરલ કરી છેઃ રમણભાઇ વોરા

(વિજય વસાણી દ્વારા)ગાંધીનગર તા.૮ ભાજપના ધારાસભ્‍ય અને પૂર્વ મંત્રી રમણભાઈ વોરા દ્વારા જાદરને તાલુકાનો દરજ્જો ના આપવા અંગે વિસાવદર વાળી કરવાના WHATSAPP ગ્રુપમાં મેસેજ બાદ તેમણે પલટવાર કરી કહ્યું છે કે મને બદનામ કરવાનું સુવ્‍યવસ્‍થિત કાવતરું ચાલી રહ્યું છે.

તાજેતરમાં સરકાર દ્વારા નવા તાલુકાની રચના કરવામાં આવી હતી તેમાં જાદરનો સમાવેશ ન કરતા એ પંથકમાં ભારે વિરોધ થયો હતો.

ઈડર પંથકના ભાજપના જ એક ગ્રુપમાં રમણભાઈ વોરા જેનો મો. નંબર ૭૫૭૨૯ ૭૭૦૦૫ પરથી જે મો.નંબર રમણભાઈ વોરાના નામથી સેવ કરવામાં આવ્‍યો છે તે નંબર પરથી WHATSAPP ગ્રુપમાં મેસેજ કરવામાં આવ્‍યો હતો કે ઈડર વાળા હવે  તાલુકો નહી થવા દે હવે વિસાવદર વાળી કરવાની છે તૈયારી ચાલુ કરો ભાઈઓ સંઞડન સાથે હોય તો ધારદાર રજૂઆત નથી કરતી કે કંઈ ઉપજતું નથી બધા વડીલો અને યુવાન મિત્રોને નમ્ર વિનંતી છે હાલ આપણે બધાને એક જ મુદ્દો છે જાદોર તાલુકાની એમાં હાલ આપણા હકની વાત છે આવા મેસેજ રમણભાઈ વોરાના નામથી સેવ કરેલ મોબાઈલ માંથી કરવામાં આવ્‍યા હતા.

આ બાબતે રમણભાઈ વોરાએ પલટવાર કરી જણાવ્‍યું છે કે મારી પાસે બે મોબાઈલ છે અને મારા નામે વિસાવદર વાળી કોમેન્‍ટ કરાય છે જોકે મેસેજ વાયરલ કેમ થયો તે અંગે રમણભાઈ વોરા કોઈ જવાબ આપી શકયા ન હતા તેમણે કહ્યું હતું કે ગુજરાતનું મીડિયા સારું છે પણ અમુક લોકો આવું લખે છે અને લખાવવા વાળા પણ ભાજપના જ છે ભાજપનો કાર્યકર સરકાર વિરોધી લખે તેની તપાસ થાય તેવી તેમણે માંગણી કરી છે અને સરકાર દૂધનું દૂધ પાણીનું પાણી કરે તેવુ પણ જણાવ્‍યુ છે.

આ અંગે રમણભાઇ વોરાનો ટેલીફોનીક સંપર્ક કરતા તેમણે જણાવ્‍યું હતું કે આ મેસેજ બીજા મોબાઇલ નંબરમાંથી આવેલો હોય મેં એ ફોરવર્ડ કરી સુચના લખેલી હતી કે આવું ન લખો, પરંતુ મારો એ મેસેજ કાપી માત્ર આટલી જ ચેટ વાયરલ કરી છે. 

(3:57 PM IST)