<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

આ માત્ર ધર્માંતરણનો નહીં, પરંતુ એક વિસ્તૃત અને ગોઠવાયેલા રાષ્ટ્રીય સ્તરના ષડયંત્રનો ભાગ છે : હાઇકોર્ટની કડક ટિપ્પણી

ભરૂચ જિલ્લાના આમોદ ગામના 100 જેટલા હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત કરાવવાના ચકચારી કેસમાં હાઇકોર્ટે તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતાં કડક અવલોકન કર્યું અને તપાસ તથા ટ્રાયલ પર સ્ટેની માગ પણ નામંજૂર કરી

ભરૂચ જિલ્લાના આમોદ ગામના 100 જેટલા હિન્દુઓને મુસ્લિમ ધર્મમાં પરિવર્તિત કરાવવાના ચકચારી કેસમાં ગુજરાત હાઈકોર્ટનો 54 પાનાનો વિગતવાર ચુકાદો સામે આવ્યો છે. હાઇકોર્ટે તમામ આરોપીઓની ક્વોશિંગ પિટિશન ફગાવતાં કડક અવલોકન કર્યું છે અને તપાસ તથા ટ્રાયલ પર સ્ટેની માગ પણ નામંજૂર કરી છે.

ગુજરાત હાઈકોર્ટએ જણાવ્યું કે, આ માત્ર ધર્માંતરણનો નહીં, પરંતુ એક વિસ્તૃત અને ગોઠવાયેલા રાષ્ટ્રીય સ્તરના ષડયંત્રનો ભાગ છે. તપાસ એજન્સીએ આ કાવતરાના મૂળ સુધી પહોંચી સાચા માસ્ટરમાઇન્ડ સુધી પહોંચવું જરૂરી છે.

ચુકાદામાં ભાગેડુ આરોપી અને અરજદાર અબ્દુલ આદમ પટેલ ઉર્ફે ફેફડાવાલા હાજીની ભૂમિકાને લઈને પણ ગંભીર ટિપ્પણી કરવામાં આવી છે. હાઇકોર્ટએ નોંધ્યું કે, ફેફડાવાલા FIR દાખલ થવા પહેલાં 25 વખત વિદેશથી ભારતમાં આવ્યો હતો, પરંતુ FIR બાદ એક પણ વખત ભારત પાછો આવ્યો નથી, જે તેની સંડોવણી પર ગંભીર સંકેત આપે છે.

કેસ મુજબ, આમોદ ગામના 37 કુટુંબો અને 100થી વધુ હિન્દુઓને પૂર્વ આયોજન સાથે મુસ્લિમ ધર્મમાં ધર્માંતરણ કરાવવામાં આવ્યું હતું. આ પ્રક્રિયામાં વિદેશી ફંડિંગ, પ્રચારકો અને સ્થાનિક માળખાના સહકારથી સંયોજિત રીતે ધર્માંતરણ કરાવાયું હોવાનો આરોપ છે. હાઈકોર્ટના આ નિર્ણયથી આરોપીઓને મોટો ઝટકો લાગ્યો છે અને હવે તપાસ એજન્સીઓ માટે ધર્માંતરણના આ સમગ્ર નેટવર્કની ઉંડાણપૂર્વક તપાસ કરવાનો માર્ગ ખુલ્યો છે.

(11:48 AM IST)