News of Thursday, 9th October 2025
રાજ્યભરમાં હવે હળવા પગલે ઠંડીનો માહોલ શરૂ થશે : અનેક શહેરોમાં હળવા વરસાદની શકયતા
વરસાદની તીવ્રતા ઘટશે જેના કારણે ઠંડીનો માહોલ સર્જાશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે

અમદાવાદ :રાજ્યભરમાં હવે હળવી ઠંડીનો માહોલ શરૂ થશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટવાનું શરૂ થશે.ત્યારે દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, અમરેલી, ભાવનગર અને વડોદરામાં હળવો વરસાદ પડી શકે છે. જોકે, વરસાદની તીવ્રતા ઘટશે, જેના કારણે ઠંડીનો માહોલ સર્જાશે અને મોટાભાગના જિલ્લાઓમાં તાપમાન ઘટશે. વરસાદી તંત્ર દૂર થઈ રહ્યું હોવાથી ભારે વરસાદની શક્યતા નથી.
રાજ્યમાં મોસમના સરેરાશ વરસાદના 115.10 ટકા વરસાદ નોંધાયો છે. કચ્છમાં સૌથી વધુ 140.23 ટકા વરસાદ પડ્યો છે, ત્યારબાદ ઉત્તર ગુજરાતમાં 120.19 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 115.57 ટકા, દક્ષિણ ગુજરાતમાં 121.72 ટકા અને સૌરાષ્ટ્રમાં 101.96 ટકા વરસાદ પડ્યો છે. રાજ્યમાં નર્મદા ડેમ 97.32 ટકા ભરાઈ ગયો છે, અને અન્ય 206 જળાશયો તેમની કુલ સંગ્રહ ક્ષમતાના 95.10 ટકા ભરાઈ ગયા છે. આમ, રાજ્યભરમાં વરસાદને કારણે 146 બંધોને હાઇ એલર્ટ,17 બંધોને એલર્ટ અને 14 બંધોને ચેતવણી પર રાખવામાં આવ્યા છે.
હવામાન વિભાગ અનુસાર, આગામી સાત દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. આગામી 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ત્રણ દિવસ પછી રાજ્યમાં વરસાદની તીવ્રતા ઓછી થશે. દરિયાકાંઠે DC-1 સિગ્નલ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાત નબળો પડીને ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. હાલમાં, પશ્ચિમી ખલેલને કારણે રાજ્યમાં વરસાદની સંભાવના છે. આગામી ત્રણથી ચાર દિવસમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી ચોમાસું વિદાય લેશે.
આગામી દિવસોમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં હળવો વરસાદ થવાની સંભાવના છે. આ ઉપરાંત, અમદાવાદ મહાનગરમાં પણ વાવાઝોડા સાથે હળવો વરસાદ થવાની સંભાવના છે, જે વાતાવરણમાં ઠંડક લાવશે. પશ્ચિમી ખલેલને કારણે રાજ્યભરમાં વરસાદ ચાલુ રહેશે. જો કે, આ હવામાન સ્થિતિ દરમિયાન, દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે.
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
