<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 9th October 2025

અમદાવાદની 4 શાળાઓને FRCએ 5 લાખનો દંડ ફટકાર્યો:નિયત કરતા વધુ ફી વસુલતા કડક કાર્યવાહી

FRC ના નિયમોનું પાલન ન થતું હોવાનું નોંધી ફી રેગ્યુલેટરી કમિટીએ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકાર્યો

અમદાવાદ ઝોનની FRCએ ચાર સ્કુલોને નિયમોનું પાલન ન કરવા બદલ પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો છે. ચારેય શાળાઓ FRC ની મંજૂરી વગર બેફામ ફી વસૂલતા હોવાની ફી રેગ્યુલેટરી કમિટીની માહિતી મળી હતી. જે બાદ ચારેય સ્કુલને નોટિસ ફટકારવામાં આવી હતી અને સુનાવણી માટે બોલાવવામાં આવ્યા હતા. જે બાદ FRC ના નિયમોનું પાલન ન થતું હોવાનું નોંધી ફી રેગ્યુલેટરી કમિટીએ વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલ, જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલને દંડ ફટકાર્યો છે.

 

ગુજરાત રાજ્યની શાળાઓ વાલીઓ પાસેથી તોતિંગ ફી ન વસૂલે તે માટે તમામ ઝોનમાં ફી રેગ્યુલેટરી કમિટીની રચના કરવામાં આવેલ છે. આ ફી રેગ્યુલેટરી કમિટી શાળાઓની ફી નક્કી કરવાથી લઈને શાળાઓ વધુ ફી ન વસૂલે તેનું ધ્યાન રાખે છે. તેમ છતાં અમદાવાદની શાળાઓને ફી રેગ્યુલેટરી કમિટીનો કોઈ ડર જ ના હોય તેવું સામે આવ્યું છે. ફી રેગ્યુલેટરી કમિટીના નિયમોને અવગણીને શાળાઓ વાલીઓ પાસેથી બેફામ ફી વસૂલી રહ્યા છે.

વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલે અમદાવાદ ઝોનની ફી રેગ્યુલેટરી કમિટી પાસે વિદ્યાર્થીઓની ફીમાં વધારા માટે પ્રપોઝલ મૂક્યું હતું. પરંતુ ફી રેગ્યુલેટરી કમિટીએ સ્કૂલે દરખાસ્તમાં જે ફી વધારવાની માંગ કરી હતી તેમાં ઘટાડો કરીને ફી મંજૂર કરવામાં આવેલ હતી. તેમ છતાં સ્કૂલ દ્વારા ફી રેગ્યુલેટરી કમિટીએ મંજૂર કરેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલવામાં આવી હતી. જેથી ફી રેગ્યુલેટરી કમિટી સમક્ષ સ્કૂલ દ્વારા વધુ ફી વસુલવામાં આવતી હોવાની ફરિયાદો આવી હતી. જે બાદ FRCએ તપાસ કરતા સ્કૂલે મંજૂર થયેલી ફી કરતા વધુ ફી વાલીઓ પાસેથી વસૂલી હોવાનું સામે આવતા વેદાંત ઇન્ટરનેશનલ સ્કૂલને FRCએ 5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

નિયમો પ્રમાણે જો પ્રાથમિક અને માધ્યમિક સાથે એક જ કેમ્પસમાં જો પ્રિ પ્રાયમરી સ્કૂલ ચાલતી હોય તો તેની ફી FRC પાસે મંજૂર કરાવવાની હોય છે. પરંતુ જેમ્સ જેનીસીસ, શિવ આશિષ અને તુલીપ ઇન્ટરનેશનલ સ્કૂલની પ્રિ પ્રાયમરી સ્કૂલ પ્રાથમિક અથવા માધ્યમિક સ્કૂલ સાથે એક જ કેમ્પસમાં ચાલે છે. તેમ છતાં ત્રણેય સ્કૂલે FRC માં ફી મંજૂર કરાવ્યા વિના જ પ્રિ પ્રાયમરી સ્કૂલના વિદ્યાર્થીઓ પાસેથી ફી વસૂલવામાં આવતી હતી. જેની ફરિયાદ ફી રેગ્યુલેટરી કમિટીના ધ્યાને આવતા ત્રણેય શાળાને 5-5 લાખનો દંડ ફટકારવામાં આવ્યો છે.

 


 

(1:06 PM IST)