News of Thursday, 9th October 2025
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ફાઇનલ! રાજકીય હલચલ શરૂ
ગુજરાતમાં આગામી સમયમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે

(વિજય વસાણી દ્વારા) ગાંધીનગર, તા.૯: આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગુજરાતમાં રાજકીય ગરમાવો હાલ ચરમસીમાએ પહોંચ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલી અટકળોને પૂર્ણવિરામ આપતાં ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, આ ચૂંટણી મામલે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (આપ) વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. જેથી આ નિવેદન બાદ હવે સ્પષ્ટ થઈ ગયું છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આપ વચ્ચે ત્રિપાંખીયો જંગ જોવા મળશે.
તાજેતરમાં દિલ્હીમાં યોજાયેલી કોંગ્રેસની ઉચ્ચસ્તરીય બેઠકમાં સંગઠનના પુનર્ગઠન અને આગામી ચૂંટણીની વ્યૂહરચના અંગે ચર્ચા થઈ હતી. આ બેઠકમાં અમિત ચાવડાએ સંગઠનની હાલની સ્થિતિ અને ગ્રાઉન્ડ લેવલે ચાલી રહેલા કાર્ય અંગે અહેવાલ રજૂ કર્યો હતો. બેઠક બાદ એવી અફવાઓ ફેલાઈ હતી કે, કોંગ્રેસના નેતાઓએ દિલ્હીમાં આપના નેતાઓ સાથે બેઠક કરી ગઠબંધનની શકયતાઓ પર વિચારવિમર્શ કર્યો હતો. જો કે, અમિત ચાવડાએ આ અફવાઓને ‘નિરાધાર અને રાજકીય રીતે પ્રેરિત' ગણાવી પૂરેપૂરી રીતે નકારી કાઢી છે.
અમિત ચાવડાએ કહ્યું હતું કે, ‘અમારે વારંવાર સ્પષ્ટ કર્યું છે કે, કોંગ્રેસ કયારેય આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન નહીં કરે. પ્રજાને ખબર છે કે આમ આદમી પાર્ટીએ ભાજપની બી ટીમ તરીકે કામ કરે છે. જ્યારે કોંગ્રેસ પોતાના સિદ્ધાંતો, વિચારધારા અને સંસ્થાકીય શક્તિ પર ભરોસો રાખીને આગામી ચૂંટણી મેદાનમાં ઉતરશે.'
નોંધનીય છે કે, આગામી ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસ હાલમાં પોતાના સંગઠનને નવી ઊર્જા આપવા પ્રયાસરત છે. પ્રાંત, જિલ્લો અને શહેર સ્તરે નવા કાર્યકરોને તક આપવામાં આવી રહી છે, જ્યારે જૂના અનુભવી નેતાઓને માર્ગદર્શનની ભૂમિકા સોંપવામાં આવી છે. પક્ષના સૂત્રોના મતે, આ વખતે ગ્રાઉન્ડ લેવલ સુધી કાર્યકરોને સક્રિય કરી ‘ભાજપના એકાધિકાર' સામે મજબૂત વિકલ્પ ઊભો કરવાનો ધ્યેય છે.
બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ કોંગ્રેસ સાથે કોઈ ગઠબંધન ન કરવાની સ્પષ્ટતા કરી છે. ગુજરાત આપના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ કહ્યું કે, ‘અમે અમારા વિચારોની રાજનીતિ કરીએ છીએ અને કોઈ પણ પક્ષ સાથે સત્તા મેળવવા માટે સમજૂતી નથી કરતા. ગુજરાતની પ્રજા પરિવર્તન ઇચ્છે છે અને તે પરિવર્તન આપ લાવશે.'
ઉલ્લેખનીય છે કે, તાજેતરની વિસાવદરની પેટાચૂંટણીમાં પણ બંને પક્ષોએ પોતાના ઉમેદવાર ઊભા રાખ્યા હતા. ભાજપના જોરદાર પ્રચાર છતાં આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયા જીત્યા હતા, જેના કારણે આપને સ્થાનિક સ્તરે નવી ઊર્જા મળી છે. જોકે, કોંગ્રેસ માટે આ જીત ‘સ્થાનિક પરિબળોનું પરિણામ' ગણવામાં આવી રહી છે અને પક્ષે તેને રાજકીય રીતે વધારે મહત્વ આપ્યું નથી.
રાજકીય વિશ્લેષકોના મતે, આ આપપ્રકોંગ્રેસના નિવેદન પછી હવે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના છે. એક બાજુ ભાજપ પોતાની પરંપરાગત મજબૂત પકડ જાળવી રાખવા પ્રયત્નશીલ છે, તો બીજી બાજુ કોંગ્રેસ પોતાનું ગુમાવેલું કૌવત પાછું મેળવવા પ્રયત્ન કરી રહી છે. આપ માટે આ ચૂંટણી ગુજરાતમાં રાજકીય વ્યાપ વધારવાનો મોકો છે.
(3:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
