News of Friday, 10th October 2025
ભાજપના પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રવાસનો અંબાજીમાં માં અંબાના ચરણોમાં પૂજન અર્ચન કરી પ્રારંભ
જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના દાંતાથી પ્રવાસની શરૂઆત કરી. દાંતા ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરાયું

અમદાવાદ : નવ નિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના પ્રવાસનો આજથી પ્રારંભ થયો છે. અંબાજીમાં માં અંબાના ચરણોમાં પૂજન અર્ચન કરી પ્રવાસનો પ્રારંભ કર્યો છે. આજના ઉત્તર ગુજરાતના પ્રવાસ બાદ આવતીકાલથી તેઓ દક્ષિણ ગુજરાતના પ્રવાસે જશે. જગદીશ વિશ્વકર્માએ શક્તિપીઠ ખાતે દર્શન કરી માં અંબાના આશીર્વાદ લીધા અને ગુજરાતમાં સૌની સુખાકારી માટે પ્રાર્થના કરી હતી. તેમની સાથે બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ, સાંસદ સહિતના લોકો જોડાયા હતા. આત્મનિર્ભર ભારત હેઠળ હર ઘર સ્વદેશીની મુહિમ હેઠળ સ્ટીકર લગાડવામાં આવ્યા હતા.
માં અંબાના દર્શન કરી જગદીશ વિશ્વકર્માએ બનાસકાંઠાના દાંતાથી પ્રવાસની શરૂઆત કરી. દાંતા ખાતે ફટાકડા ફોડી ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. બહોળી સંખ્યામાં સ્થાનિકો અને કાર્યકર્તાઓ સ્વાગત કાર્યક્રમમાં જોડાયા હતા. ત્યારબાદ પાલનપુર ખાતેની બનાસ ડેરી ખાતે જગદીશ વિશ્વકર્મા પહોંચ્યા હતા.
સામાન્ય રીતે કોઇપણ વ્યક્તિના સ્વાગત માટે બુકે કે ફૂલહારનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ બાદમાં તે વસ્તુનો કોઇ ઉપયોગ થતો નથી અને કચરામાં જાય છએ ત્યારે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ સ્વાગત માટે નવતર અભિગમ અપનાવ્યો છે. જેમાં બુકે કે ફૂલહારના બદલે ફૂલસ્કેપ ચોપડા , વાંચનની બુક સ્વીકારી. આ ચોપડીઓ લાયબ્રેરીમાં જશે અને ચોપડાનું બાળકોને વિતરણ કરાશે.
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
