News of Friday, 10th October 2025
મહેસાણામાં રેલ્વે લાઇનના બ્રિજ નીચેથી યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર
મૃતક યુવક નજીકના શોભાસણ ગામનો રહેવાસી: મૃતકની ઓળખ 32 વર્ષીય પંકજ પટેલ તરીકે થઈ

મહેસાણાના હનુમંત હેડુવા ગામની સીમમાંથી પસાર થતી રેલ્વે લાઇનના બ્રિજ નીચેથી એક યુવકની ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવતા આખા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ મહેસાણા તાલુકા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, મૃતક યુવક નજીકના શોભાસણ ગામનો રહેવાસી હતો. મૃતકની ઓળખ 32 વર્ષીય પંકજ પટેલ તરીકે થઈ છે. લોખંડના રેલ્વે બ્રિજ પરથી યુવકની લાશ લટકતી જોઈને ત્યાંથી પસાર થતા લોકો ચોંકી ગયા હતા અને આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો.
પોલીસને ઘટનાસ્થળ નજીકથી GJ01 KM 3553 નંબરની એક સફેદ કલરની કાર પણ મળી આવી છે. પોલીસ સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ, આ કાર મૃતક પંકજના મિત્રની હોવાનું સામે આવ્યું છે. મૃતક પંકજનું અવારનવાર આ જગ્યાએથી પસાર થવું અને રહસ્યમય સંજોગોમાં ગળેફાંસો ખાધેલી હાલતમાં લાશ મળી આવવી, તે અનેક સવાલો ઊભા કરે છે.
(11:15 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
