News of Sunday, 12th October 2025
ખેડામાં લાંચખોરીનો પર્દાફાશ: નડિયાદ SC-ST સેલનો ASI જયદીપસિંહ રૂ.૪ લાખની લાંચ લેતા ACBના છટકામાં ઝડપાયો! ૪૪ દિવસમાં પોલીસકર્મી પર બીજો કેસ
ASI એ ફરિયાદી પાસે તેમના પરિવારજનોની ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘેર જવા દેવા બદલ આ જંગી રકમની માંગણી કરી હતી.

નડિયાદ (ખેડા): ખેડા જિલ્લામાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) એ ફરી એકવાર સફળ ઓપરેશન હાથ ધરીને લાંચ લેતા એક પોલીસ અધિકારીને રંગેહાથ ઝડપી પાડ્યો છે. નડિયાદ ખાતે SC-ST સેલમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર (ASI) જયદીપસિંહ સોઢા પરમાર રૂ. ૪ લાખની લાંચ લેતા ACBના છટકામાં સપડાયા છે.
મળતી માહિતી મુજબ, આ લાંચ ASI જયદીપસિંહ સોઢા પરમાર દ્વારા ફરિયાદીના પરિવારજનો વિરુદ્ધ નોંધાયેલી એટ્રોસિટી એક્ટ હેઠળની ફરિયાદમાં માગવામાં આવી હતી.
ASI એ ફરિયાદી પાસે તેમના પરિવારજનોની ધરપકડ ન કરવા, લોકઅપમાં ન બેસાડવા અને ઘેર જવા દેવા બદલ આ જંગી રકમની માંગણી કરી હતી.
ફરિયાદીએ લાંચની માંગણી થતાં સીધા ગાંધીનગર ACBનો સંપર્ક કર્યો હતો. ACBની ટીમે સમગ્ર યોજના બનાવીને ટ્રેપ ગોઠવ્યો હતો.
ASI જયદીપસિંહ સોઢા પરમાર નડિયાદ સ્થિત એસસી-એસટી સેલની કચેરીના કમ્પાઉન્ડમાં જ પોતાની કારમાં લાંચની રકમ સ્વીકારી રહ્યા હતા, તે દરમિયાન તેમને રંગેહાથ ઝડપી લેવામાં આવ્યા હતા.
ACB અધિકારીઓએ સાક્ષીઓની હાજરીમાં લાંચની રકમ કબજે કરીને ASI ની વધુ પૂછપરછ શરૂ કરી છે.
નોંધનીય છે કે, ખેડા જિલ્લામાં માત્ર ૪૪ દિવસના ટૂંકા ગાળામાં પોલીસકર્મી પર લાંચનો આ બીજો મોટો કેસ છે. આ પહેલા ૨૮ ઓગસ્ટના રોજ લીંબાસી પોલીસ મથકના કોન્સ્ટેબલ પંકજ મેર રૂ. ૪૦,૦૦૦ ની લાંચ લેતા ACBના હાથે ઝડપાયા હતા. સતત બીજા કિસ્સા બાદ જિલ્લાના લાંચિયા કર્મચારીઓમાં ચકચાર મચી ગઈ છે.
ACB અધિકારીઓએ સ્પષ્ટ ચેતવણી આપી છે કે સરકારી ફરજ દરમિયાન લાંચ માંગવી ગંભીર ગુનો છે અને ભ્રષ્ટાચાર સામેની આ કાર્યવાહી ચાલુ રહેશે.
જો કોઈ અધિકારી કામ કરાવવા માટે તમારી પાસે લાંચ માંગે, તો તરત જ ACB ના ટોલ ફ્રી નંબર 1064 પર સંપર્ક કરો. તમે અધિકારીનું નામ અને તેમની ફરજની જગ્યાની વિગતો આપી શકો છો. ACB તમારી ઓળખ ગુપ્ત રાખીને ટ્રેપ ઓપરેશન સફળ બનાવી શકે છે.
(12:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
