<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 12th October 2025

ગાયના ગોબરથી તૈયાર થશે દીવા, વારાણસીના ભવ્ય દીપોત્સવમાં થશે પ્રદર્શિત

વડોદરાની મહિલાઓને આત્‍મનિર્ભર બનાવવા અનોખી પહેલઃ ડભોઇ તાલુકાના ૧૦૦ થીવધુ મહિલાઓને ગાયના ગોબરથી પરંપરાગત દીવા બનાવવાની તાલીમ આપવામાં આવી છેઃ અત્‍યાર સુધીમાં ૩ લાખથી વધુ ગોબર દીવો તૈયાર કરવામાં આવ્‍યા છે

વડોદરાઃ વડોદરા જિલ્લાના ડભોઇ ખાતે મહિલાઓને આત્મનિર્ભર બનાવવાના હેતુથી શરૂ કરાયેલ ગોબર દીવા નિર્માણ પ્રોજેક્ટ હાલ ચર્ચાનો વિષય બન્યો છે. સોસાયટી ફોર ઈન્ડિયન ડેવલપમેન્ટ, રેવા વુમન્સ વેલ્ફેર ફાઉન્ડેશન અને નરનારાયણ દેવ ચેરિટેબલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ ગ્રામ્ય વિસ્તારોની મહિલાઓને રોજગારીના નવા અવસર પ્રદાન કરવો, સ્વાવલંબન તરફ દોરી જવી અને પર્યાવરણને અનુકૂળ ઉપક્રમો દ્વારા પરંપરાગત હસ્તકલા સંસ્કૃતિને પ્રોત્સાહિત કરવો છે.

આ પ્રોજેક્ટ અંતર્ગત ડભોઇ તાલુકાની 100થી વધુ મહિલાઓને ગાયના ગોબરથી પરંપરાગત દીવા બનાવવાની તાલીમ આપવામાં આવી છે. તાલીમ બાદ મહિલાઓ દ્વારા અત્યાર સુધીમાં 3 લાખથી વધુ ગોબર દીવો તૈયાર કરવામાં આવ્યા છે. આ દીવો વારાણસી ખાતે યોજાનારા ભવ્ય દીપોત્સવમાં મોકલવામાં આવશે, જ્યાં કરોડો દીવાઓ વચ્ચે વડોદરાની આ મહિલાઓ દ્વારા તૈયાર કરાયેલા ગોબર દીવાઓ પણ તેજસ્વી પ્રકાશ ફેલાવશે.

આ પ્રોજેક્ટ માત્ર રોજગારી પૂરતું જ નથી, પરંતુ પર્યાવરણને પણ અનુકૂળ છે. ગાયના ગોબરથી બનેલા દીવા પ્રાકૃતિક અને બાયોડિગ્રેડેબલ છે, જેનાથી કોઈ પ્રકારનું પ્રદૂષણ થતું નથી. સાથે સાથે આ ઉપક્રમથી ગ્રામ્ય વિસ્તારોમાં ગૌસેવા અને ઓર્ગેનિક પ્રોડક્ટ્સ પ્રત્યે લોકોમાં જાગૃતિ પણ વધે છે.

ટ્રસ્ટના સંચાલકોના જણાવ્યા મુજબ, આગામી સમયમાં આ પ્રોજેક્ટને વધુ વિસ્તૃત કરીને વડોદરા જિલ્લાના અન્ય તાલુકાઓમાં પણ શરૂ કરવાની યોજના છે, જેથી વધુ મહિલાઓને આત્મનિર્ભર બનવાનો અવસર મળી શકે.

આ પહેલ વડોદરાના ડભોઇથી શરૂ થઈ હોવા છતાં, તેનો પ્રભાવ સમગ્ર દેશમાં જોવા મળશે. ગાયના ગોબરથી બનેલા આ દીવા પરંપરા, સંસ્કાર અને સ્વરોજગારીનું પ્રતિક બની રહ્યાં છે અને વારાણસીના ભવ્ય દીપોત્સવમાં જ્યારે આ દીવા પ્રજ્વલિત થશે, ત્યારે વડોદરાની મહિલાઓના હસ્તકૌશલ્યનો પ્રકાશ સમગ્ર દેશને ઉજ્જવળ બનાવશે.

(2:28 PM IST)