<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

વડોદરામાં નિવૃત્ત PSIએ નશાની હાલતમાં કાર હંકારતા મોપેડ સવાર માતા-પુત્રને અડફેટે લીધા : મહિલાને ઇજા

અકોટા ગાર્ડન ચાર રસ્તા નજીક અકસ્માત :નિવૃત્ત અધિકારીએ ઈજાગ્રસ્તને રૂ.10 હજાર આપવાની ઓફર કરી પરંતુ સ્થળ પર હાજર લોકોએ તેમની નશાની હાલત જોઈ પોલીસને જાણ કરતા તેમની ધરપકડ કરાઈ

વડોદરા: શહેરના અકોટા વિસ્તારમાં નિવૃત્ત PSI ધીરજભાઈ પરમારે નશાની હાલતમાં કાર હંકારતા એક મોપેડને અડફેટમાં લીધું હતું, જેના કારણે માતા અને પુત્ર રોડ પર પટકાયા હતા અને મહિલા ઈજાગ્રસ્ત થઈ હતી. અકોટા ગાર્ડન ચાર રસ્તા નજીક બનેલી આ ઘટનામાં નિવૃત્ત અધિકારીએ ઈજાગ્રસ્તને રૂ.10 હજાર આપવાની ઓફર કરી હતી, પરંતુ સ્થળ પર હાજર લોકોએ તેમની નશાની હાલત જોઈ પોલીસને જાણ કરતા તેમની ધરપકડ કરવામાં આવી હતી. આ ઘટનાનો વીડિયો પણ વાયરલ થયો છે, અને પોલીસે તેમના વિરુદ્ધ ડ્રંક એન્ડ ડ્રાઈવ તથા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

 

વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં નિવૃત્ત પોલીસ અધિકારીએ નશાની હાલતમાં કાર હંકારતાં અકસ્માત સર્જ્યો હતો. અકોટા ગાર્ડન ચાર રસ્તા નજીક નિવૃત્ત PSI ધીરજભાઈ પરમાર (રહે. ખોડીયારનગર, બારડોલી, જી. સુરત) પોતાની કાર લઈને પસાર થઈ રહ્યા હતા, તે દરમિયાન તેમની કાર આગળ જઈ રહેલી મોપેડને અડફેટમાં લેતા માતા અને પુત્ર રોડ પર પટકાયા હતા. આ અકસ્માતમાં મહિલા સારિકાબેન સુનવણી ઈજાગ્રસ્ત થઈ હતી, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

અકસ્માત બાદ નિવૃત્ત PSIએ ઈજાગ્રસ્તને રૂ.10,000 આપવાની ઓફર કરી હતી, જો કે સ્થળ પર હાજર લોકોએ તેમને નશાની હાલતમાં જોતા તરત જ પોલીસને જાણ કરી હતી. જાણ મળતાં જ જેપી રોડ પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો અને નિવૃત્ત PSIને કસ્ટડીમાં લઈ તપાસ શરૂ કરી હતી.

આ દરમિયાન ઘટના સ્થળનો વીડિયો પણ સોશ્યિલ મીડિયાના માધ્યમોમાં વાયરલ થયો હતો. વીડિયોમાં નિવૃત્ત PSI ધીરજ પરમાર કહેતા જોવા મળે છે કે આગળ જેને ઠોકાયો તેને 10 હજાર રૂપિયા આપી દીધા છે, હવે કોઈને અકસ્માત કર્યો નથી. જોકે હાજર લોકો અને પોલીસ કર્મીઓએ તેમને નશામાં હોવાની વાત કહી હતી. પોલીસ કર્મીએ પૂછ્યું કે તમે નિવૃત્ત PSI છો તો કાયદો ખબર હોવો જોઈએ ને?, તેના જવાબમાં પરમારે કહ્યું કે હા, પણ મારી પાસે હાલ પૈસા નથી, કાલે આપી દઈશ.

  અત્રે ઉલ્લેખનીય છે કે વીડિયોમાં પરમાર પોતે જ સ્વીકાર કરે છે કે અગાઉ પણ એક અકસ્માત બાદ રૂપિયા આપી મામલો સમેટી દીધો હતો. પોલીસે તેમના વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે અને ડ્રંક એન્ડ ડ્રાઈવ સાથે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકોટા અને અટલ બ્રિજ વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી અકસ્માતોની ઘટનાઓ વધી રહી છે, જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વ્યાપ્ત થઈ છે. નાગરિકો માગ કરી રહ્યા છે કે નશાની હાલતમાં વાહન હંકારનારાઓ સામે કડક કાયદેસર પગલાં લેવાય.

(1:18 PM IST)