<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 13th October 2025

વડોદરા નેશનલ હાઇવે પર બે બસ ટકરાઇ : ૨ના મોત ગત રાત્રીએ મરણચીસોથી ગુંજી ઉઠયો રોડ

અમદાવાદ, તા.૧૩: વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાં આવેલ લાકોદરા પાટિયા નજીક ગત રાત્રીના સુમારે એન.એચ. ૪૮ પર બે બસ વચ્‍ચે ભીષણ અકસ્‍માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ૨ લોકોના ઘટના સ્‍થળે મોત થયા છે, જયારે ૧૦થી વધુ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્‍ત થયા છે.

મળતી માહિતી મુજબ સુરતથી વડોદરા તરફ જતી ખાનગી બસ લાકોદરા પાટિયા નજીક પહોંચતા અચાનક સામે આવી રહેલી બીજી બસ સાથે અથડાઈ ગઈ. અથડામણ એટલી ગંભીર હતી કે બસનું આગળનું ભાગ સંપૂર્ણ ચકનાચૂર થઈ ગયો હતો. અને અનેક મુસાફરો ઘાયલ થયા.

દુર્ઘટના બાદ તાત્‍કાલિક રાહદારીઓ અને સ્‍થાનિક લોકોએ ઘાયલ લોકોને બહાર કાઢીને સારવાર માટે નજીકની હોસ્‍પિટલમાં ખસેડ્‍યા હતા. હાલ ઈજાગ્રસ્‍તોની સારવાર ચાલી રહી છે જેમાં અમુકની હાલત ગંભીર જણાવાઈ રહી છે.

અકસ્‍માતની જાણ થતા કરજણ પોલીસ ઘટના સ્‍થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરવામાં આવી છે. અકસ્‍માત સર્જાતા નેશનલ હાઈવે પર ટ્રાફિક જામના દ્રશ્‍યો સર્જાયા હતા.

(2:50 PM IST)